78 - નવું જંગલ તરાપનું / લલિત ત્રિવેદી


ઘર લગ વસી ગયું નવું જંગલ તરાપનું
રસ્તાની ધૂળ થૈ ગયું ખેતર વરાપનું

પોલાણ શ્વેત છતનું છે કારણ પ્રલાપનું
ઘર નહિ તો ખાસ નામ છે તારા પ્રતાપનું

પાણી ઠરીને ઠામ છે પ્હેરણના માપનું
સાચ્ચે જ આ શરીર છે પૂર્વજના વ્યાપનું

મોંસૂઝણું કરો હવે ચહેરાના શાપનું
ન્યાળો ને નેત્રમાં જ છે સિંદૂર ખાપનું

છે ખુશ્બોદાર બારીઓ.. ખાસની ભીનાશ છે
ખાલીપણું બપોરનું છે કોના તાપનું ?

મારા સમાપ્ત મ્હેલને દઈ દઉં ગુફાનું નામ
ને તાપણું જગાવું સમી સાંજે જાપનું

સુરખાબ આવી આવીને ટળવળતાં હોય છે
જળ ક્યારનું સુકાઈ ગયું છે મિલાપનું

એપ્રિલ, ૨૦૦૧


0 comments


Leave comment