89 - સત્ જેવું / લલિત ત્રિવેદી


તો શું અંદર છે અસલિયત જેવું
ઉપર ઉપર તો છે વખત જેવું

દેખવું ક્યાં ને દાઝવું ક્યાં છે
ચક્ષુમાં છે અફર નિયત જેવું

એક સાંધો ને તેર તૂટે છે
પહેરવું યાને શખ્શિયત જેવું

આમ ના થાય એ ધરાશાયી
ક્યાંક અંદર હશે લડત જેવું

ભોગવત કેમ ગુલમહોર વગર
મારું સર્વસ્વ શહેરીયત જેવું

તેં દીધેલો નથી દગો એવું
મેં કરેલી કોઈ શરત જેવું

ઠેઠ અંદર જઈને બેઠો છે
એમ લાગે ચડ્યું છે સત્ જેવું

૨૫-૫-૨૦૦૭


0 comments


Leave comment