81 - સાંવરિયા / લલિત ત્રિવેદી


સાત પાણીડે ગાળ્યાં જોબનિયાં
જોયાં સગપણ ને જોયાં ચોઘડિયાં

એક છેડેથી ઉકેલી નાડી
એક છેડેથી પીધાં ઓસડિયાં

આણ દીધી ધધખતા દરિયાને
સોયદોરાથી ટાંગ્યાં તોરણિયાં

પગલું એક્કેક મૂક્યું નિશ્ચેમાં
ઊની આંખેથી ઝાર્યા ગોઠણિયાં

રાખી ચાનક ને ઓલવી બત્તી
ને અજંપાને દીધા આગળિયા

ઊગ્યાં આકાશનેય નખ કેવા !
જોયા સપનાંય કેવા સગવડિયાં !

ઓરડા જેવડો આ દીવડો રે !
વાટ સંકોરો, હાઉ સાંવરીયા !

વર્ષ - ૨૦૦૪


0 comments


Leave comment