92 - ભગતને હોય છે નિરાંત / લલિત ત્રિવેદી


સુએ છે, બેસે છે, પણ વાત હોય છે એક જ
ભગતને હોય છે નિરાંત હોય છે એક જ

તરસ તલસ કે તમસ નાત હોય છે એક જ
એની તેંત્રીસ કરોડ તાદાત હોય છે એક જ

સુનો હઝરાત ! દિવસરાત હોય છે એક જ
પૂછો ખુદાને, તિલસ્માત હોય છે એક જ

ભલે થતાં રહે ખખડાટ વાત-વાસણના
સમસ્ત ઘર અને જઝબાત હોય છે એક જ

સમય કે બાજરો જુદા જુદા નથી હોતા
જનમ.. જનમ... એની તાકાત હોય છે એક જ

સમાવી લીધી હોય છે તમામ રાત્રિઓ
સભર એકાંતની મિરાત હોય છે એક જ

પછી તો શ્રેણીબદ્ધ બનતી જાય ઘટનાઓ
જુઓ અંદર તો અકસ્માત હોય છે એક જ

વર્ષ - ૨૦૦૭


0 comments


Leave comment