64 - રાબેતા મુજબ / લલિત ત્રિવેદી


કેવી કોમળ હાર આ સરિઆમ રાબેતા મુજબ
સૂર્ય સામે ઓસનો સંગ્રામ રાબેતા મુજબ

ક્યાં હવે સૂઝે છે કોઈ કામ રાબેતા મુજબ
સાવ સામે બેઠા છે ઘનશ્યામ રાબેતા મુજબ

જીવ સાટોસાટનું પરિણામ રાબેતા મુજબ
ના મળ્યું મારા ચરણને ધામ રાબેતા મુજબ

કોઈ ચીવટથી કરે છે કામ રાબેતા મુજબ
રોજ કોઈ ઘરમાં ફૂટે ઠામ રાબેતા મુજબ

એક ખુલ્લી બારીમાંથી આવતી સાંજલ હવા
ને વહી આવે છે તારું નામ રાબેતા મુજબ

આ અનાદિકાળના ધુમ્મસમાં હું પણ ઓગળું
થૈ ગયો હું પણ ઠરીને ઠામ રાબેતા મુજબ

કોઈ એ જોતું નથી કે તું હજી મળતો નથી
હું જ તો થાતો રહ્યો બદનામ રાબેતા મુજબ

નોંધ પણ ઇતિહાસમાં લેવાઈ નહીં તો શું થયું ?
એક મનગમતું જીવ્યો છું નામ રાબેતા મુજબ

મે,૧૯૯૯


0 comments


Leave comment