36 - દ્રાક્ષમંડપો / લલિત ત્રિવેદી


સુખડ તળાઈ રસિક ચાગ રજોટે છે હજી
પ્રસન્ન બાહુઓના ફાગ રજોટે છે હજી

ત્વચાવિભોર ઉપવનો હજી યથાવત્ છે
ક્રીડાઓ કેલિઓના રાગ રજોટે છે હજી

આ દ્રાક્ષમંડપો... બર્બર ઘનિષ્ઠ ઉન્માદો...
આ હિંસ્ત્રતામાં મારો ભાગ રજોટે છે હજી

તો વસ્ત્ર શ્વેત અંગીકાર થાય શી રીતે?
અધરના રસ ફળો પરાગ રજોટે છે હજી

અરણ્ય હોય કે કુટિર શરીરમાં ભેદ નથી
નિયત છે તિમિરનાં વિભાગ રજોટે છે હજી

ઋતુની વન્યતા રુધિરની વિવશતા તો જુઓ
શું બોધિવૃક્ષ, શી વીતરાગ - રજોટે છે હજી

લવણને ક્ષીરની ઋતુઓ છે સમવયસ્ક હજી
મૃદુલ નિશાઓના આ લાગ રજોટે છે હજી

જો આજ હોત કાલિદાસ તો અવશ્ય કહેત –
છે વ્યાઘ્રચર્મમાં ય આગ રજોટે છે હજી

વર્ષ - ૨૦૦૩


0 comments


Leave comment