63 - હતી તેવી જ છે / લલિત ત્રિવેદી


તીવ્રતા ઉત્તેજના જેવી હતી તેવી જ છે
તારા માટે ઝંખના જેવી હતી તેવી જ છે

તો મને હક છે કે હું તડપું અને માગું તને
મારે મંદિર પ્રાર્થના જેવી હતી તેવી જ છે

એક સરવરની હવા એક સાંજની કમનીયતા
એક રમણીય વંચના જેવી હતી તેવી જ છે

એક વત્તા એક મતલબ કાચની કરચો ગણો
ને કહી દો વ્યંજના જેવી હતી તેવી જ છે

એક એ તારી હથેળી ને હવે રુદ્રાક્ષ આ
સૂક્ષ્મતા, સંવેદના જેવી હતી તેવી જ છે

પૃથ્વી પરના નર્કનો છે ભેદ બહુમાળી હવે
સ્વર્ગ માટે કલ્પના જેવી હતી તેવી જ છે

કેટલામી સાંજના સોગંદ દઈને કહું તને
એક તારી ઝંખના જેવી હતી તેવી જ છે

વર્ષ - ૧૯૯૮


0 comments


Leave comment