29 - આત્મસાત્ કરું / લલિત ત્રિવેદી


શું વ્રજઘાત કરું કે હું ઝંઝાવાત કરું?
કે મૂળમાંથી ઊખડુ ને મૂળ વાત કરું?

તો આજ થાય છે કે બેમિસાલ વાત કરું
ન અશ્રુપાત કરું કે ન સન્નેપાત કરું

સઘન કરાળ શાહીમાં ટશરની વાત કરું
બીજી તે શી રીતે કમરામાં હું પ્રભાત કરું

છે બંદગીની ચરમસીમા – હોમી દઉં આ ત્વચા
પછી હે કીમિયાગર ! જોજે તને મહાત કરું

હું ધીમા કોડિયાનું તેજ છું, તપસ્વી છું...
તને આ ઘરના ખૂણામાં જ આત્મસાત્ કરું

વિવશ છું, થાકીને આવ્યો છું મંદિરેથી, પ્રિયે !
સમીપ તારી જરા બેસું ને નિરાંત કરું...

વર્ષ - ૨૦૦૨


0 comments


Leave comment