47 - બાર બાર વરસે માધાવાવ ગળાવિયા / લલિત ત્રિવેદી


ઘાટ ઘાટ મન ને મલીર, મારા વાલમા
ઠામ ઠરી બેઠા નહિ થીર, મારા વાલમા

ઝાલર વગડે છે મંદિર, મારા વાલમા
ખખડે છે ઓરે જંજીર, મારા વાલમા

કિયે પગથિયે મેલવી ઉતાવળ
કિયે તે ખુંટાડુ આ ધીર, મારા વાલમા

પગલું મેલું ને કાંઈ મેલી દઉં પંડ રે
મેલ્યાં મેલાય નહીં ક્ષીર, મારા વાલમા

છેલ્લે પગથિયે ચિર અને ચામડી
તળિયામાં હાથ ને લકીર, મારા વાલમા

જોજન... જોજન... સૂના સૂસવે છે ઓરતા
ક્યાં રે દેખાય સાચાં નીર, મારા વાલમા

ઓરડામાં લૂંબઝૂંબ ઝૂલે બાવળિયા
લેખણમાં મીર તકી મીર, મારા વાલમા

બાર બાર વરસે માધાવાવ ગળાવિયા
પ્રગટી નહિ પાણામાં પીર, મારા વાલમા

૧૩-૯-૨૦૦૧


0 comments


Leave comment