75 - જગ્યા નથી હવે / લલિત ત્રિવેદી


છાતીમાં પણ કુમાશની જગ્યા નથી હવે
બોલાવું ક્યાં ? પલાશની જગ્યા નથી હવે

હું ક્યાં જઈને જીરવું તારા વિનાની સાંજ ?
એકાંત કે ભીનાશની જગ્યા નથી હવે

છે ધૂંધળી લકીર સરોવરની પાળની
ધુમ્મસમાં બાહુપાશની જગ્યા નથી હવે

સીસમમાં નકશીકામના દિવસો છે ગાલ પર
ત્યાં રતુમડી કચાશની જગ્યા નથી હવે

ક્યાં કોડિયું મૂકું ? નથી સંધ્યાનો પણ સમય
અંદર કશે પ્રકાશની જગ્યા નથી હવે

છે એક રંગસૂત્ર આ તન મન નગર ને ઘર
કોઈની પાસે હાશની જગ્યા નથી હવે

એકાદ બર્ફપેટીમાં મૂકી દે લાગણી
અહીંયા તો કોઈ લાશની જગ્યા નથી હવે

વર્ષ - ૨૦૦૦


0 comments


Leave comment