80 - અંધારું મારી આંખનું / લલિત ત્રિવેદી


એવાં હરણ કે જંગલો છલકાઈ જાય છે
દીવાસળી સુધીય ક્યાં પહોંચી શકાય છે

દર્પણ તો માત્ર મારી ત્વચાનો અવાજ છે
અંધારું મારી આંખનું ચ્હેરાઈ જાય છે

ફેલાયેલી છે સાંજ તારા બાહુપાશ જેમ
ઓળંગું તો એ રાતમાં પલટાઈ જાય છે

મારા અવાજ જેટલો હું દૂર છું હજી
હર શ્વાસ મારા મૌનને અથડાઈ જાય છે

છળ ખુલ્લું થાય છે પછી આ બંધ આંખનું
પાણીમાં એક કાંકરો ફેંકાઈ જાય છે

વર્ષ - ૧૯૯૬


0 comments


Leave comment