50 - જાણે રે / લલિત ત્રિવેદી


પિંડ પદારથ ફેર ન દેખે ખેલખરાઈ જાણે રે
પ્રાણ ન પલળે અમિયલ અધરે લેહલગાઈ જાણે રે

જીવ જગત જગદીશ જિવાઈ જાત જુદાઈ જાણે રે
ખમીસ ખોળિયું ખંભે લટકે ખલકખુદાઈ જાણે રે

રૂમઝૂમ રૂમઝૂમ આંખ ઉલાળે પ્રફુલ્લ પટોળાં સહુ કસટાવે
ત્વચા નીતારે ગઝલ-ભજનમાં સારસગાઈ જાણે રે

ગરથગાંઠ જરકસી જામિની જૂજવાં મચે ઉધામા
ઝાંઝર ઝબકે લોચન ચળકે શું ચતુરાઈ જાણે રે

શણગટ હેમનો હેમ જથાતથ બાણાધનુષ અણિયાળા
લગનલાગમાં હરિગુણ ગાવે નિજ અધૂરાઈ જાણે રે

અધમધરાતે છતિયા ગ્હેકે રૂંવા ફૂંફાડે આમ જુઓને
હે વનમાળી ! વનરાવનમાં શું છે નવાઈ જાણે રે

મોરપીંછનો મલક હોય કે શરદપૂનમની સખીઓ
આપ અમલમાં ઓછાવત્તા આ અખિલાઈ જાણે રે

કુંજગલીમાં રમી રમીને તેજતિમિર જે ન્યાળે રે
ચૌદલોક ચોરાસી ચૌટે સેજસરાઈ જાણે રે

૧૯-૯-૨૦૦૧


0 comments


Leave comment