49 - શામળા ગિરધારી / લલિત ત્રિવેદી


અમે પોતે અમારે અગરાજ રે શામળા ગિરધારી
ઠેઠ પંડથી આવી ગ્યા વાજ રે શામળા ગિરધારી

ચાર ચોકમાં થાશું પખવાજ રે શામળા ગિરધારી
અમે છાંડી દેશું લોકલાજ રે શામળા ગિરધારી

વાલા ! વેરણ પડી છે માંહ્ય વીજળી કે મોતીડા ક્યાંથી પ્રોવું ?
આવ દેખાડું કાળજાની દાજ રે શામળા ગિરધારી

ભાંગો.. ભાંગો.. આ કાળઝાળ ભોગળ જરજરકશા ગઢની રે
માંહ્ય સોળસો ને આઠ આઠ લાજ રે શામળા ગિરધારી

ક્યાંક ઠારી ઠરે નહીં લાહ્ય રે અમારે પાંચ જંગલની
ધખે રખરખતા ચામડીના રાજ રે શામળા ગિરધારી

શ્વાસ સોંસરો તપે રે ધોમ ઓરડો પવન ક્યાંય જંપે નહીં
રાત દિ’ના છે પોપચે રિવાજ રે શામળા ગિરધારી

એવા દીધા અબોલા આરપાર કે જીભથી આઘા છીએ
હવે કોનાથી થઈએ નારાજ રે શામળા ગિરધારી

નાણાવટી ! કૃતારથ કરજો ગરથ દેજો વ્હાલની રે
રૂડા થાશું તમારા મો’તાજ રે શામળા ગિરધારી

૨૯-૦૮-૨૦૦૧


0 comments


Leave comment