54 - માવડી હે ગંગાસતી / લલિત ત્રિવેદી


ખળખળ ગળથૂથી હાડમાં રેલાય અને ખૂટે ન ખમીસના રોકાણ રે
ઝૂરતાં ન આવડ્યું તે જરજરી બેઠા પછી ભગતિના હોય શું પ્રમાણ રે

નામઠામ ઊગે ઘઉંબાજરા લે’રાય એવા ભડભડ ઊગે રોજ ભાણ રે
રજનો ન હોય સનકારો જેની રજમાં ત્યાં ટળે કેમ રજની મોકાણ રે

પાંદડું હલે તો પ્રાણવાયુ વરતાય આ તો ભણકારે ભણકારે પ્હોંચવું
શમે નહીં ક્યાંય એવા ઊછળતા લોઢ રાતા દરિયાના છાતીબૂડ તાણ રે

ખાનદાન ચામડીના ખોલી જોયા ખૂણા ક્યાંય દીવડો દેખાય નહીં લૂણમાં
ભાંગી પડે ભોંય એવી ઝંખા... ઊડે ધૂળ... એવા લોહીમાં ભટકતા પ્રયાણ રે

દાસ હે લલિત ! તારી છાતીએ જનોઈ એમાં ગોત ધોળા સૂતરના તાગ રે
ખોલ હવે ખોલ ચૌદ બ્રહ્માંડ ખૂલે એવા કોઈ તારી ગુફાના પોલાણ રે

ઘરથી તે ઘરનો આ મારગ અગાધ ક્યાંય ઉકલે ન મન મેરુ, નદીઓ
માવડી હે ગંગાસતી ! ક્યાંક તારાં ભજન ને ક્યાંય તારી દેરીનાં ઊંચાણ રે

ઓક્ટોબર, ૨૦૦૧


0 comments


Leave comment