85 - માયાવી જાળ / લલિત ત્રિવેદી


પંડિત ! ચરણ નિવાસની માયાવી જાળ છે
જોજે, નયન વિલાસની માયાવી જાળ છે

શું ઓરડો પલાશની માયાવી જાળ છે ?
ને વક્ષ કોના પાશની માયાવી જાળ છે

મધરાત થાય છે અને ખનકે છે ઝાંઝરી
સપનું અતૃપ્ત રાસની માયાવી જાળ છે

અદૃશ્ય છે? રહસ્ય છે? કે દ્રશ્યનો અભાવ?
આંખો ઉઘાડવાસની માયાવી જાળ છે

પ્રત્યેક પાંખડીને પણ ખોલીને જોઈ છે
જાણું છું ક્યાં સુવાસની માયાવી જાળ છે

ના ગુમ થઈ શકાય એવો ખેલ છે કે શું?
શું આ કોઈ લિબાસની માયાવી જાળ છે ?

પ્રોવી દીધી જો હોત તો ના ઓઢવી પડત
ચાદર લલિતદાસની માયાવી જાળ છે

ભક્તો ! કથાના સારામાં કહું છું તે સાંભળો
જંગલ તો લીલા ઘાસની માયાવી જાળ છે.

મે, ૨૦૦૦


0 comments


Leave comment