59 - ક્ષણભંગુર / લલિત ત્રિવેદી


ક્યારનાં મંજૂર થૈ બેઠા છીએ
જાતથી પણ દૂર થૈ બેઠા છીએ

પાત્રતા ને પાત્ર ઓગળતાં ગયા
એટલા ભરપૂર થૈ બેઠા છીએ

સાંજ પણ, વિદ્યુત પણ થૈ ગઈ પસાર
ને અમે મજબૂર થૈ બેઠા છીએ

મોરના રંગોય ક્યાં દેખાય છે?
કેટલા ઘેઘૂર થૈ બેઠા છીએ

કોઈ આવે ને સમેટી લે હવે,
સાવ ચકનાચૂર થૈ બેઠા છીએ

શું ફરક-ઝાકળ છીએ કે જળ છીએ ?
આમ, ક્ષણભંગુર થૈ બેઠા છીએ

જુલાઈ ૧૯૯૭


0 comments


Leave comment