76 - પડદો પડી ગયો / લલિત ત્રિવેદી


જાગી ઊઠ્યા ને જાત પર પડદો પડી ગયો
કાલે જીવ્યાની વાત પર પડદો પડી ગયો

પડદો હલ્યો ને ભીંત પરનું ચિત્ર સળવળ્યું...
પડદાની એક નિરાંત પર પડદો પડી ગયો

પરદાનશીન થૈ ગયો મારી સમક્ષ હું ય
મારી બધી મિરાત પર પડદો પડી ગયો

પડદો ખૂલ્યો ને ગૃહમાં અંધારું થૈ ગયું
પ્રત્યેક જણની જાત પર પડદો પડી ગયો

પડદો પડ્યો ને ગૃહમાં અજવાળું થૈ ગયું
ખુરશીની કાયનાત પર પડદો પડી ગયો

સૂરજ ઊગ્યો ને પાત્ર સૌ સન્મુખ થૈ ગયાં
પડદો પડ્યા-શી રાત પર પડદો પડી ગયો

રીહર્સલોની જેમ ના ઘટના કશી બની
નાટકની એક વિસાત પર પડદો પડી ગયો


0 comments


Leave comment