20 - ભગવાનને ખબર છે / લલિત ત્રિવેદી


ક્યાં ધ્યાન ઓગળે છે ભગવાનને ખબર છે
ભગવાન ઓગળે છે ભગવાનને ખબર છે

કોને અહીં હું પૂછું ? છે ગૂમ શોધનારા
ભગવાન ક્યાં મળે છે ભગવાનને ખબર છે

અઢળક અને અકળ છે, પળપળ અને સકળ છે
અફલક છે પણ ફળે છે, ભગવાનને ખબર છે

ગોકુલ ! મને રજા દો, હે કુળ ! મને જવા દો
નિર્મૂળ પણ ગળે છે, ભગવાનને ખબર છે

તલ્લીન આંખ જ્યારે એકાદ ક્ષણ ખૂલે છે
બ્રહ્માંડ ઝળહળે છે ભગવાનને ખબર છે

વર્ષ - ૧૯૯૪


0 comments


Leave comment