83 - પથ્થર ન ફેંક તું / લલિત ત્રિવેદી


ખૂણામાં બંધ મીણમાં પથ્થર ન ફેંક તું
ખામોશ છે આ ખીણમાં પથ્થર ન ફેંક તું

ત્યાં અશ્મિઓ હશે અને પરપોટા પણ હશે
અંદર ઘૂઘવતા ફીણમાં પથ્થર ન ફેંક તું

કમરો ન ખોલ, માંડ ઉછેરી છે રાતને
સપના ધરું છું નીણમાં પથ્થર ન ફેંક તું

શું આ ભરમ છે? સાંભળું પગરવ હું તેજના
રહેવા દે આ અફીણમાં પથ્થર ન ફેંક તું

પાણી અને પવનના સમતુલનનો છે સવાલ
આ પરપોટા છે, વીણ મા, પથ્થર ન ફેંક તું

ઓછું નથી કે એ હવે ખંડેર થૈ ગયા
સામ્રાજ્યના આ ક્ષીણમાં પથ્થર ન ફેંક તું

વર્ષ - ૧૯૯૮


0 comments


Leave comment