77 - તારી મીઠી ઊંઘ / લલિત ત્રિવેદી


રઘવાટ જો થયો તો કહ્યો છે દવાતને
મેં છત ઉપરથી પડવા દીધું છે પ્રભાતને

બહુ બહુ તો ખોબલામાં ભરું જરૂરિયાતને
ફાટું ભરીને ક્યાંથી હું લાવું નિરાંતને

એ વાત ના કહી મેં શરીકે હયાતને
આખીય રાત ઝીલ્યો હતો ઝંઝાવાતને

ચલચિત્ર જોઈ જોઈ ગુજારી છે રાતને
મેં માંડ જીરવ્યો છે ભીષણ સંનેપાતને

કલશોર જેવી તારી મીઠી ઊંઘ જોઇને
જમરૂખમાં સંતાડી દીધા તીક્ષ્ણ દાંતને

ઘરમાંથી બ્હાર, બ્હાર ને ઘરમાં ફરક નથી
એવી મેં ભોગવી છે ગગનની બિછાતને

એપ્રિલ ૨૦૦૧


0 comments


Leave comment