41 - ધૂણી ધખાવીએ / લલિત ત્રિવેદી


આ ટેરવાંમાં તાગની ધૂણી ધખાવીએ
ચાલો, અથાગ જાગની ધૂણી ધખાવીએ

આ ભીનાં ભીનાં સ્પર્શનાં ફૂલોની સાક્ષીએ
પ્રિયે ! ત્વચામાં ત્યાગની ધૂણી ધખાવીએ

પહેલું મળ્યાની સાંજના રંગો સમર્પીએ
ને આંખમાં વિરાગની ધૂણી ધખાવીએ

સંભારીએ પૂનમની શરદ રાત્રિઓ, પ્રિયે !
ધખધખતા કોઈ ફાગની ધૂણી ધખાવીએ

જો બોલીએ તો ઓમ નમ: શિવાય બોલીએ
નહિતર સતત આવક્ ની ધૂણી ધખાવીએ

એવી લગન લગે કે જગે જાતમાં જગન
હે કામિની ! અતાગની ધૂણી ધખાવીએ

વર્ષ - ૧૯૯૫


0 comments


Leave comment