60 - અનુસંધાન ઘટતાં જાય છે / લલિત ત્રિવેદી


એકલા જણના સભર ઉદ્યાન ઘટતાં જાય છે
પંડ સાથેના અનુસંધાન ઘટતાં જાય છે

દેશ પરીઓના અને વરદાન ઘટતાં જાય છે
પાપા પગલીનાં અલ્લડ તોફાન ઘટતાં જાય છે

આઠદસ સુખદુઃખ બનારસ પાન ઘટતાં જાય છે
સાંજ સહિયારી અને જલપાન ઘટતાં જાય છે

રંગરસ છે એવા ખીચોખીચ પોતાના અલગ
સાથે ઉઠવા-બેસવાના સ્થાન ઘટતાં જાય છે

ઘર સુધી સંભળાય કેવળ તીવ્ર માણસના અવાજ
ક્યાંક મનમાં ધૂપ ને લોબાન ઘટતાં જાય છે

વંશ વેલા પંખીઓ અમથાં નથી ઓછાં થયાં
વ્યક્તિગત સામૂહિક મીઠાં ગાન ઘટતાં જાય છે

૬-૯-૨૦૦૦


0 comments


Leave comment