37 - કુટિર – નિવાસ / લલિત ત્રિવેદી


સુગંધ તીવ્ર છે આસવની, પ્રિયે ! વનમાં પણ
તૃષા શમી નથી પાલવની, પ્રિયે ! વનમાં પણ

નિભાવ ભિન્ન ક્યાં છે દેહ.. વસ્ત્ર... વલ્કલના..
કુટિરમાં વૃત્તિ છે ભવભવની, પ્રિયે ! વનમાં પણ

પ્રપંચ છે આ રુધિરનો, તિમિર કુટિલ નથી
જટિલ છે યુક્તિઓ દાનવની, પ્રિયે ! વનમાં પણ

તો શું કમનીયતા જ છે હજી લાવણ્યમયી?
છટા મદિલ છે માર્દવની, પ્રિયે ! વનમાં પણ

શિખાઓ વ્યોમને સ્પર્શે ન વાયુમાં વિરમે
આ કેવી લાહ્ય કેવા દવની, પ્રિયે ! વનમાં પણ

અતૃપ્ત રાત્રિઓને કેમ કહેશું મૃગચર્યા
તળાઈ જાગે છે વૈભવની, પ્રિયે ! વનમાં પણ?

કુટિર નિવાસ... વનવિહાર... સર્વકાલીન છે
પ્રચુર લીલાઓ છે રાઘવની, પ્રિયે ! વનમાં પણ?

રટીશું એક શબદ ને વટીશું ચૌદ ભુવન
કૃપા અસીમ છે લાઘવની, પ્રિયે ! વનમાં પણ

વર્ષ - ૨૦૦૩


0 comments


Leave comment