42 - અજંપ ટેરવાં / લલિત ત્રિવેદી


કેવળ શરીર લીલયા પચરંગ ટેરવાં
ઓળખશે કૈ રીતે બદામી રંગ ટેરવાં

દાઝ્યા અધૂરા સ્પર્શ ને બેઢંગ ટેરવાં
કેવાક થાપ જપશે આજ અજંપ ટેરવાં

જૂઈની ડાળ નીચે ગયા ને રડી પડ્યા
એકાગ્ર ના થયા કદી આ તંગ ટેરવાં

કેવા ત્વચામાં રહીને પણ એ થૈ ગયા અલિપ્ત
માણી રહ્યા છે મણકાનો સત્સંગ ટેરવાં

એવો ધરીને રંગ લખ્યું ઓમ ભીંત પર
કે વિસ્તર્યા અનંત લિખિતંગ ટેરવાં

રુદ્રાક્ષની ય પાર જે ધ્યાનસ્થ છે હવે
એનો કરી શકે ન તપોભંગ ટેરવાં

વર્ષ - ૧૯૯૫


0 comments


Leave comment