12 - સખી આજ ગઈ’તી હું તો પાણીએ રે / બ્રહ્માનંદ સ્વામી


સખી આજ ગઈ’તી હું તો પાણીએ રે, ઊભો છોગાવાળો રંગછેલ;
મને વહાલો લાગે કુંવર નંદનો રે....ટેક° ૦

સખી જમુનાને આરે ઝીલતાં રે, જોઈ ભરવી ભૂલી જળ હેલ....મને° ૧

સખી મંત્ર ભણીને નાખી મોહની રે, થઈ થકીત ન ચાલે મારા પાવ.... મને° ૨

સખી શું રે જાણું જે મને શું કર્યું રે, મરમાળે રંગીલે માવ....મને° ૩

સખી એની અલૌકિક આંખડી રે, મારે ચોટી છે ચિત્તડામાંય.... મને° ૪

બ્રહ્માનંદના વહાલાની મૂર્તિ રે, ઘડી છેટે મેલી કેમ જાય.... મને° ૫


0 comments


Leave comment