18 - રૂડું ભાલ તિલક રૂપાળું રે, કોડે કીધું કેશરનું; / બ્રહ્માનંદ સ્વામી


રૂડું ભાલ તિલક રૂપાળું રે, કોડે કીધું કેશરનું;
ભાવે હું સુંદર ભાળું રે, કામડલું મેલી ઘરનું.... ૧

વાંકી ભૃકુટી જોઈ વનમાળી રે, મારું લોભાણું મનડું;
મોહન નાસા મરમાળી રે, દોયલી વેળાનું ધનડું.... ૨

તારા લોચનીયાં નંદલાલા રે, રંગભીના રંગનાં ભરીયાં;
વ્રજજીવન નટવર વ્હાલા રે, ગુણિયલ અંતરમાં ગરિયાં.... ૩

લટકાળા મોહની લાગી રે, ભાવે મુખડું ભાળીને;
બ્રહ્માનંદના શ્યામ સુહાગી રે, બેઠી જગભય ટાળીને.... ૪


0 comments


Leave comment