19 - માણીગર મોલીડું તારું રે, સુંદર ફૂલડેથી છાયું; / બ્રહ્માનંદ સ્વામી


માણીગર મોલીડું તારું રે, સુંદર ફૂલડેથી છાયું;
મોહન તેમાં મન મારું રે, ઠીક કરીને ઠેરાયું.... ૧

રૂપાળું રંગનું ભરીયું રે, શોભે કોર્યું સોનેરી;
છોગલીયું નૌતમ ધરીયું રે, લાડકડા વ્હાલમ લેરી.... ૨

કાજુનવલ કલગીની નીરખી રે, ચિત્તડામાં લાગી ચટકી;
થઈ ગઈ દીવાની સરખી રે, લોકલજ્યા સર્વે પટકી.... ૩

બહું અંતરમાં રસબસીયું રે, ગરક કસુંબે બોળીડું;
બ્રહ્માનંદના મનમાં વસીયું રે, મોહન તારું મોળીડું.... ૪


0 comments


Leave comment