46 - વસ્તુઓ રાહ જુએ છે અહલ્યા ઉદ્ધારની / યજ્ઞેશ દવે


ટેબલ પર બેઠો છું. આમ જુઓ તો કામ જ કામ છે અને આમ જુઓ તો સમય જ સમય છે, પણ અત્યારે આ ક્ષણે સમય અને કામ બંને હોવા છતાં કશું કરવાનું મન નથી. શરીરને ક્યાંક ઢીલું મૂકી મનને મારા મગજના ખીલેથી છોડી મૂકું છું. મન ક્યાંક ચરી આવે તો સારું. આકાશથી સારો બીજો કયો ચારો હોઈ શકે ? હમણાં જ પોતું ફેરવી ચકચકાવેલો તાજો ચોખ્ખો કાચ ટેબલ પર પડ્યો છે તેમાં કાચ નીચે રાખેલાં ચિત્રો અને કાર્ડ દેખાય છે અને ઉપરની સપાટી પર સામેની બારી. બારીમાં ઉપરનાં ભાગે ભૂરો આકાશ ને નીચે લીમડાની ડાળીઓ દેખાય છે. અચાનક મારા હાથ ટેબલ પર ટ્રેમાં પડેલાં કાચના પેપર-વેઇટ તરફ જાય છે. બે ત્રણ પેપર-વેઇટમાં રંગબેરંગી પરપોટાઓ, ફૂવારાઓ એકબીજામાં લયાત્મક રીતે ભળ્યાં છે. ગતિને જાણે રૂપબદ્ધ કરી દીધી છે. આ પેપર-વેઇટની નીચે મેં કેટકેટલાંક કાગળો દબાવ્યાં છે. પણ કદી ઉપર નજર નથી કરી. રમતમાં હું પેપર-વેઇટોને ઉંધા ગોઠવું છું - - ગોળાકાર સપાટી નીચે અને સપાટ બેઇઝ ઉપર.અચાનક જ એ બધાં પેપર-વેઇટ તેમના કાર્યભારમાંથી મુક્ત થઈ તેમના પોતાનાં પણ ભારમાંથી મુક્ત થઈ જીવતાં થઈ જાય છે. હું તેમને ભમરડાની જેમ ફેરવું છું. લુઢકાવું છું, દેડવું છું, ફરતાં ફરતાં સ્થિર થતાં પહેલાં તેઓ આમથી તેમ ડોલે છે. હથેળીને તેનો વજનદાર સ્પર્શ લાગે છે પણ આંખને તો તે માત્ર રમતિયાળ ગોળ નર્તતા આકારો જ લાગે છે. આટલું બધું સુખ, આટલો બધો આનંદ માત્ર આ પેપર-વેઇટે મને આપ્યો ? હળવાફૂલ દડતાં એ ગોળાએ મને એટલો બધો ઝંકૃત કરી દીધો ! હું પણ તેની સાથે ડોલવા લાગ્યો. રોજ આ પેપર-વેઇટ તો હતું જ મારી આંખની સામે તો કેમ તેની આ લીલા નજરે ન ચડી ? કોઈ એક નિરાંતની પળે મન તેના ડાબલા બાજુએ મૂકી દે છે અને આ વાસ્તવિકતામાં આ યથાર્થમાં આપણે ઝંપલાવી શકીએ છીએ. રોજ-બ-રોજની પરિચિતતા, પદાર્થોની ઉપયોગિતામાં આપણે તેના સત્વ તત્વને ખોઈ નાખ્યું છે તેનું ભાન આ ત્રણ પેપર-વેઇટે મને કરાવ્યું. ફ્રેંચ કવિ પૉલ યુકલેડનું એક વાક્ય દસેક વરસ પહેલાં કિશોરે એક ચિઠ્ઠીમાં લખ્યું હતું, “There is another world, and it is in this world” નો મર્મ પકડાયો. રાજકોટમાં એક વ્યખ્યાનમાં સુરેશ જોષીએ કહેલું કે “કવિ કવિતા કરે છે ત્યારે ઉપરથી કશુંક દૈવી કે આધિભૌતિક તત્વ નીચે નથી ઊતરી આવતું પણ તેથી ઊલટું આ જગતના રહસ્યને તેના યથાર્થને અવગુંઠિત કરતો એક પડદો એક પટલ, પડળ કે જવનિકા આપણી સામેથી ઊઠી જાય છે અને આપણે એ પદાર્થને મુખોમુખ થઈ છીએ.” પોતાનું વજન ગુમાવી ગોળમટોળ ઢીંગલી જેમ નાચતાં હે પેપર-વેઇટ ! તમે મને હળવો ફૂલ બનાવી દીધો તે માટે હું અનુગ્રહીત છું તમારો.

વચ્ચે એક કવિ વિતેઝસ્લાવ નેઝવેલના કવિતા સંગ્રહની પ્રસ્તાવનામાં કવિએ તેની કવિતાની કળ ખોલવા જે કેફિયત આપી તે આ વાત સાથે પ્રસ્તુત લાગે છે. નેઝવેલ લખે છે : “Logically the glass belongs to the table, the star to the sky, the door to the staircase. That is why they go unnoticed. It can be necessary to set the star to the table; the glass hard by piano and the angle; the door next to the ocean. The idea was to unveil reality, to give it back it’s shining image, as on the first day of it’s existence. If I did this at the expence of logic it was an attempt, realism raised to a higher degree.” પદાર્થોને તેને પરિચિત સંદર્ભો દૂર થઈ જોવા, તેના ઉદ્દગમ સમયે તે કેવા કાંતિમાન હતા તે તેના સાચા પોતાના સ્વયં પર્યાપ્ત સંદર્ભથી જોવાની કવિએ વાત કરી. કેટલાંક સરરિયલ ચિત્રકારોએ Juxtaposition થી તેમના ચિત્રોમાં જે વસ્તુઓ જે રીતે મૂકી હતી તેવાં ચિત્રો યાદ આવ્યાં અને પેલા કવિની વાત સાથે જોડાઈ ગઈ.

‘ગોડ મસ્ટ બી ક્રેઝી’ ફિલ્મમાં કોકાકોલાની કે એવી કોઈ પીણાંની પાતળી પરમાર જેવી કોઈ બોટલ આફ્રિકાના આદિમ જાતિના Tribals ના હાથ ચડે છે. આ પ્રકારના રમણીય આકાર અને ચળકાટવાળી કોઈ વસ્તુ આ વનવાસીઓએ કદી જોઈ હોતી નથી તો પછી તેનો શો ઉપયોગ હોય તે તો તેમને ક્યાંથી ખબર હોય ? તેમના માટે તો આ પદાર્થ જાણે હમણાં જ જન્મ લીધો છે – nascent છે. એ નવજાત નવતર દૈવી વસ્તુથી તેઓ પહેલાં કેવાં આશ્ચર્યચકિત થાય છે પછી એ બોટલ સાથે કેટલી રીતે, કેવી રીતે કેટલીય વાર રમે છે. એ બોટલ એક હાથથી બીજે હાથ ફરતી ફરતી કેવા કેવા નવા નવા સંદર્ભો પ્રગટાવતી જાય છે તે પણ આ પેપર-વેઇટ સાથે યાદ આવી ગયું. ઓટોમેટિક મશીનમાં પટ્ટા પર ચાલતી, ફરર્ ફટ કરી એક ધકાડે ભરાતી, ચપ કરી ફટાફટ બુચ દેવાતી, ક્રેટમાં ગોઠવાતી, હજારો બોટલો ભેગી વાનમાં ચડતી સખળ-ડખઈ ઉછળતી; ડિપાર્ટમેન્ટલ સ્ટોરે પહોંચી બીજી બોટલો ભેગી ડીપ ફ્રીઝમાં શીતનિદ્રામાં પોઢતી, માલિકના અજડ હાથે ઝટપટ જાગતી, કન્ઝ્યુમરની બે આંગળી અને અંગૂઠા વચ્ચે પહોંચતી, ટોબેકોથી ગંધભર્યા મોંમાં ગટક ગટક ઠલવાતી, કે હળવું ચુંબન લેતી તે બોટલ તો બીજીક્ષણે ખાલી થઈ ફેંકાય છે, હડસેલાય છે, આડી-અવળી રવડે છે, આમતેમ રખડે છે, ફટ દઈ ફૂટે છે, કે સાજીનમી હોયતો બીજી હજારો બોટલો ભેગી ક્રેટમાં ગોઠવાઈ ફરી રિફિલીંગ પ્લાન્ટમાં પહોંચે છે. જયારે પેલા આદિવાસીઓ હાથે ચડેલી સુધન્યા બોટલનું તો નસીબ ખૂલી ગયું. આ બોટલોની વાતમાં એક ઈટાલિયન ચિત્રકારના શીશા શીશીઓના ચિત્રો યાદ આવી ગયા. હું ભૂલતો ન હોઉં તો જ્યોર્જિયો મોરાન્ડી તેનું નામ છે અને તેણે શીશા શીશીઓના જ અઢળક ચિત્રો કર્યા છે. આછા રંગનો કંપોઝિશન્સ – પશ્વાતભૂના આછા રંગોમાં ભળી જતી આછા રંગની એકદમ હળવી – tender – પ્રેમાળ અને સ્વપ્નિલ – પારદર્શકતાને સાચવી રાખેલી પણ ખોટા આંજી નાખતા ચળકાટ વગરની એ બોટલો, ખોટો ખણકાટ કર્યા વગર આછું આછું રણકે છે.

મારો દીકરો નાનો હતો ત્યારે કવી રાજેન્દ્રશુકલ સાથે રમકડાંની વાત નીકળેલી તો કવિ કહે – “શિશુને રમવા માટે કોઈ રમકડું જ જોઈએ એવું નથી – તે તો દરેક વસ્તુને રમકડાંમાં રૂપાંતરિત કરી શકે.” વાત તો સાચી. દોરાની ખાલી કોકડી, ગરગડી, ચમચી, થાળી, ગાભાની ચીંદરડી, ખાલી ડબા-ડૂબલી, તૂટેલી ખુરશીનો હાથો એ બધાંને તે પળવારમાં રમકડું બનાવી દે. ઈશ્વરનો પરમ અને ચરમ ભાવ તે લીલા અને લીલાભાવમાં ચોવીસે કલાક અને આઠે પ્રહર રમમાણ રહે તે શિશુ. નાની અમથી વસ્તુ પણ તેને કેટલો અનહદ આનંદ આપી શકે છે તે નાનું બાળક છાનુંમાનું એકલું એકલું જાત સાથે જ ગોટાવાળી બોલતું બોલતું રમતું જુઓ ત્યારે જ ખબર પડે. નરસિંહે અમસ્તું જ તેને “સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે સોનાના પારણા માહીં ઝૂલે” તેમ નહીં કહ્યું હોય. વસ્તુને વિસ્મયથી, આનંદથી જોવાની આ પણ શિશુસહજ રીત. પછી તો ઉત્તર વયે આપણે ઘડાને પાણી ભરાવતા, ઓશીકે સૂતાં, ચમચીથી ખાતા અને ખુરશીને બેસતાં થઈએ જઈએ છીએ અને વસ્તુઓ ચુપચાપ બધું વેઢાર્યા કરે છે. વસ્તુઓ રાહ જુએ છે પેલા આદિવાસીની, મોરાન્ડીની, કોઈ શિશુની કે જે તેમની ચેતનામાં સ્પર્શે તેમનો અહલ્યાઉદ્ધાર કરે.


0 comments


Leave comment