2 - આકાશમાં કોણે પકડ્યો મારો હાથ ? / યજ્ઞેશ દવે


કેટલી બધી વસ્તોને આપણે બ્રહ્મ સાથે જોડી છે. શબ્દબ્રહ્મ, આનંદબ્રહ્મ, અન્નબ્રહ્મ, નાદબ્રહ્મ, બ્રહ્મ એટલે Origin, Original ને Ultimate ? આદિ અને અંતિમ ? ખબર નથી. ખાવાનો એવો શોખ નથી કે અન્નને બ્રહ્મ રૂપે પામી શકું ને શબ્દની સાચી શક્તિનો પરિચય નથી કે તેને બ્રહ્મ રૂપે ઓળખી શકું. હા, સંગીતકાર નથી પણ માણસ છું તેટલા માત્રથી પણ સંગીતમાં તેની ઝાંખી થાય છે ખરી. નાદ અને આનંદમાં તે બ્રહ્મ તરીકે ઓળખાતી સંજ્ઞાનું કાંઈક સંજ્ઞાભાન થાય છે ખરું !

આ સંગીતની ગતિ પણ કેવી ન્યારી ! એક તરફથી સંગીતમાં અનેક દટાયેલી, ભૂંસાયેલી ઝાંખી થયેલી સ્મૃતિઓ તરવરે તો બીજી તરફ તેમાં હોવા માત્રની સ્મૃતિનો પણ લોપ થાય. તો વળી ક્યારેક સાવ નવાં જ દ્રશ્યો દેખાય, લૅન્ડસ્કેપ દોરાય, અંદર કશુંક ગદ્દ્ગત થાય, આંનદનો જ નાદ સંભળાય ને લાગે કે આવી ક્ષણે મરણ કેમ નથી આવતું ? ‘સમ’ શબ્દ ચિત્તના એક ઠહેરાવ પર જ્યાં બધું મળે – ઓગળે છે તે સમત્વ શમન સમસ્તાનો સૂચક હશે ? ‘તાલ’ માં આપણા અંતરતમ તલ સુધી તળિયા સુધી જતા કે ત્યાંથી ઊઠતા નાદ સાથે જોડવાની વાત હશે ? ને ‘લય’ માં લીયમાન થવાનું વિલય પામવાનું સૂચન હશે ? હશે જ કદાચ. નહીં તો મારા જેવો ‘સા’ એટલે ષડજ એટલું જ જાણનારો આટલું પણ ન અનુભવે. કદાચ સંગીત તો પડેલું જ છે અંદર જેમ કે પ્રેમ. પણ, તે વ્યક્ત કરે છે કોઈ આપણા બધાં વતી. ક્યાંક વાંચેલું લગભગ તો લેવી સ્ત્રોસનું કથન કે ‘ When we listen to the music we are also silent performer’ આપણે સંગીતને જયારે સાંભળતા હોયે છીએ ત્યારે આપણે પણ હોઈએ છીએ તેના મૌન વાદક કે ગાયક. તેનો કશોક તાળો આપણી સાથે મળતો હોવો જોઈએ. અને સંગીતની બીજી તે કેવી વિચિત્રતા કે - - આ તે કેવી શુદ્ધ ગાણિતિક કલા કે જે ગણિતને જ ઉલ્લંઘે ! અથવા તો તે શુદ્ધ ગાણિતિક છે. તેથી તેની શુદ્ધતાથી જ ગણિતનો અણસાર સુધ્ધાં ન આવવા દે. સંગીતની એક બીજી પણ કેવી વિશિષ્ટતા કે તે પોતાના પાત્ર માધ્યમ એવા આદિ અનાદિ નિરવધિ સૂક્ષ્માતિસૂક્ષ્મ અરૂપ એવા કાળને રૂપ આપે અને તેને ઓગાળે પણ ખરું. અને તે જ ક્ષણે હોય તેનાથી જરા પણ વધારે જગ્યા સંગીત રોકે નહીં. પણ તે ક્ષણ રોળાઈ ન જાય. રોપાઈ જાય.

આ પૃથ્વી પર રહ્યાં રહ્યાં કોઈની પણ મીઠી કે ખાટી ઈર્ષા આવતી હોય તો તે હેન્રી કોર્ડ કે ક્વીન એલિઝાબેથના વંશજોની નહીં સાક્ષાત્ શક્તિ સ્વરૂપ ક્લિંકટન કે જ્હોન મેજરની નહીં. વાનગોગ કે ગાર્સીયા માર્કવેસની નહીં. અરે રવીન્દ્રનાથની ય નહીં. પણ સાયકલ પર દૂધના કેન લઈ હળવેથી હંકારી જતા, સવારને કંઠ આપતા ભરવાડની કે ઈશોરી આમોનકરની કે મારા સાથી મહેન્દ્ર ટોકેની. ઈર્ષાનો સૂરમો આંજેલી ફાટી આંખે તેમને સાંભળી રહું છું. પણ બીજી ક્ષણે તેઓ મારી ઈર્ષાને પણ ઓગાળી નાખે છે. – તેમના સંગીતથી.

બાઈબલમાં કહ્યું છે ને કે ‘There are many mensions in my father’s house’ – મારા પિતાના ભવનમાં ઘણાં ઓરડાઓ છે. સંગીતના સાત માળના મહેલમાં એકવાર પ્રવેશ મળ્યો પછી તો તેના બગીચામાં, ઝરુખે, અટારીએ, ઓરડે ઓરડે ફર્યો છું, ક્યાંક પરસાળમાંથી પસાર થયો છું, ક્યાંક પલાંઠી વાળી બેઠો છું તો કોઈક ઓરડામાં, ધ્યાનખંડમાં મનના વ્યાધ્રચર્મ પર બેસી સમાધિ લગાવી છે. જાઝના ડ્રમની દાંડી ડ્રમ પર નહીં પણ પડી છે અંદર અંદર કોઈ ચર્મપટ પર. પગની પલાંઠી છૂટી જઈ તે નાચવા લાગ્યા છે – જય જયવંતી સાથે. ઝૂલ્યો છું દાદરા ઝૂલણામાં. કોઈ મીંડ, બે સ્વર વચ્ચેની શ્રુતિ જેવા મને પણ હળવેકથી અડી ગઈ છે. થપકી થાપમાં સ્થાપાયો છું કોઈ ક્ષણે. તોડી લલિતના ભાસ્વત સ્વરોમાં ધીમે ધીમે ખુલતી આલોકિત થતી સવારને, સાંભળતા સાંભળતા જોઈ રહું છું, માલકૌંસની ગંભીર ગુફામાં બેઠો છું, બાકના પિયાનોના નાજુક સૂરોનાં વહેણમાં વહ્યો છું તો ગેરુઆ રંગની અહાલેક જગાવતા બૈરાગીનો ફક્કડ રંગ રંગી ગયો છે ક્ષણો પૂરતો. સાંજ જેવું સુખદ ઉદાસીમાં મારવા પૂરીયાના સ્વરોમાં મન કહી ઊઠ્યું છે ‘હેથા નય..... અહીં નહીં બીજે ક્યાંક’ તો ક્યારેક નીગ્રો સીંગરના ઘેરા સ્વરમાં થઈ પેઠો છું તેના કંઠમાં તેની બધી વેદના ઉલ્લાસ કંઠસ્થ કર્યા છે.

પણ આ બધી જાઝ બાક ને કિશોરી આમોનકરની વાતોમાં એક વિશિષ્ઠ, નિજી, ઠેઠ અંગત અનુભવ જે ઘણીવાર થાય છે તેની વાત કરું ? ઘણીવાર એવું થાય કે સંગીત મારા કાંઠાની બધી ભેખડો ઓગાળી ચેતનાના સીમાડાઓ ક્યાંક ક્યાંક દૂર દૂર ફંગોળાતું હોય, મને ધૂપની જેમ ધીમે ધીમે ઉઠાવી દે હું લગભગ જયારે વિશ્વમાનવ બની ગયો હોઉં, બ્રહ્માંડમાં કોસ્મોસમાં નક્ષત્રની નક્ષત્રના ઝુમ્મરોને અડતો હોઉં, કૂતુહલથી ખણકાવતો હોઉં, નિહારીકાઓના કુંતલ વલયોમાં ફરતો હોઉં, આકાશગંગાના જળમાં નહાતો તેની તેજશિકરો ઉડાડતો હોઉં, નવા જન્મેલા તારાનું નામ પાડતો હોઉં, શતભિષા. શ્રાવણ બાણરજ એક તારાથી બીજે તારાએ સ્લો મોશનમાં ઉડતો હોઉં ત્યારે પેલા ભૂંડા હેમુ ગઢવી કોણ જાણે ક્યાંથી ત્યાં આવી મને તેડી જાય છે.

ઘેર સમજણ પ્રેમભર્યા કરુણ કંઠમાંથી કે કોણ જાણે ક્યાંથી નીકળતો અવાજ ‘મેરૂ તો ડગે રે પાનબાઈ પણ જેનાં મન ના ડગે રે....’ ‘સવા બશેરનું મારું દાતરડું લોલ....’ ‘ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં....’ ‘ઓધવજી રે મારે ઘર પછવાડે કાનુડો વાંસળી વગાડે રે...’ ‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે...’ સંભળાયા કરે છે. એ અવાજ સાંભળતાં જ તેમણે મા વછોઈ વાછડીની જેમ વળગી પડું છું – પ્રાદેશિક અસ્મિતાના મૂર્ખબોધ સાથે નહીં પણ જ્યાં કાળી માટીમાં થોડાં ઘણાં પણ મૂળ રહેલા છે તેણે પકડવા. એ ધોરાજી, મોટીમેંગણી. લાઠી, ચુડા, તગડી, ભડિયાદ, ખંભાળિયા, રા’નવઘણ આપ ગીગા, પાનબાઈ, નરસીં મેતો, ભોજો ભગત, શેઠ સગાળશા, લાખુભા, પારવતીબેન, ખારો મારો ડરિયો, ટંડેલ ને ખારવા, રજવાડા રાજ કાઠી ને મેર, દાદા હો દીકરી, થોરની વાડું ડોલતા ડુંગર, ખળખળતી નદીયું ઢાળ ઉતરતી ટેકરીયું ને મંદિર, ને ધજાને, ટીટોડીના ઈંડાં....આટલું બધું નો હોય, હેમુ હેમુ, મારા બાપ ખમૈયા કરો. નથી જીરવાતું આ બધું, ખમા મારા બાપ ખમા.


0 comments


Leave comment