16 - પાંચેય ઇન્દ્રિયથી મેં પીપળો પૂજ્યો છે / યજ્ઞેશ દવે


‘वृक्षाणाम अष्वत्थोहम’એવું ગીતાકારે કૃષ્ણે ગીતામાં કહી પીપળા પર પોતાનો પક્ષપાત બતાવ્યો છે તે ખબર પડી તેનાથી પણ પહેલાં મને પીપળો ગમવા લાગેલો. સદર બજારની વૈદ્ય શેરીનો અમારા ઘર સામેનો પીપળો અને રહેવા ગયા ત્યારે પહેલે દિવસથી જ ગમી ગયેલો. એ પીપળા સાથે પછીથી પંદરેક વરસ જીવંત સંબંધ થયો. સંબંધ શબ્દ એટલે વાપર્યો કે તેનું સ્થાન એક વ્યક્તિ જેવું થયું ગયેલું. અને દરેક વૃક્ષને એક વ્યક્તિત્વ હોય છે. તે વ્યક્તિત્વને આગવી મહોર મારતાં નામ આપણે ન આપીએ તેથી શું ? એક સરખી લગતી ગાયોને રંભા, કપિલા, ગવરી, નામો મળે તો છોકરાઓની ટોળીની સાથે સાથે ફરતો કૂતરો નામ પામે લાલિયો, મોતિયો, કાળિયો, રાજુ, ડાઘિયો કે રાભો. પણ આગવાં વ્યક્તિત્વ ધરાવતાં વૃક્ષોને કોઈ નામ નહીં. તેમને ડાળ, થડ, પાંદડાં, ફૂલો થકી જે અનન્ય રૂપ મળ્યાં છે તેનાથી જ ખુશ. આમ તેમને નામ તો મળ્યાં છે. પીપળો, પાઈન, બર્ચ, જમરૂખ, દાડમ કે વડ પણ તે તો જાતિગત નામો. કોઈ વૃક્ષને પોતાના આગવા વિશેષ નામ નહીં. સ્વર્ગમાં ઇચ્છાપૂર્તિ કરતા કલ્પવૃક્ષ, કે જે વૃક્ષ નીચે બુદ્ધને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું તે બોધિવૃક્ષ આ નામો ખરાં પણ તેમાં ઝાડની વિશેષતા ડોકાય તેવું ક્યાં ? કાદમ્બરીમાં બાણભટ્ટે વેલીઓથી વિંટળાયેલા આકાશને આંબતા અનેક કોટરો વાળા વિશાળ ઘટાવાળા શુકશાવકના. અનેક પક્ષીઓના , આશ્રય સમા શાલ્મલી વૃક્ષરાજનું ડિટેઈલ વર્ણન કર્યું પણ નામ ન પાડ્યું. બાણભટ્ટ સામે જ ફરિયાદ શા માટે? આ હું જેની વાત કરું છે તે પીપળાના ઝાડનું નામ પણ મેં ક્યાં પાડ્યું છે. વૃક્ષો એ તો રૂપની સૃષ્ટિ, વિપિન વન કાંતારમાં એક એક વ્રુક્ષ એટલે એક એક શિલ્પ અને એ પણ સ્થિર છતાં ચલિત ડોલતાં – વિશ્વખ્યાત શિલ્પી કેલેન્ડરના Mobile શિલ્પ જેવાં. પળેપળ એની આસપાસના અવકાશને અવનવી ભાતોથી ભરતાં રૂપની આ સૃષ્ટિમાં નામને ક્યાં જોડવું. સ્થવિર આ વ્રુક્ષોએ નામને લેપાતા લોપાતા જોયું છે તેથી તેમને તેના અનામી હોવાનો કોઈ રંજ નથી.

આ ગામ ખેતર હતું ત્યારનો તે ત્યાં ઊભો હશે. મારે કેટલાં બધાં Associations – સ્મૃતિ સાહચર્યો છે તેની સાથે ! બત્રીસ વરસ પહેલાં નાનો ભાઈ ભરત જનમ્યો ત્યારે તેની છઠ્ઠીના દિવસે તેનાં પાન તોડવાનું બહેને કહેલું. સામેથી રફિકને બોલાવ્યો’તો તે ઝાડના થડ પર ઠોકેલા બે-ત્રણ ખીલાને આધારે ફટફટ ઉપર ચડી ગયો હતો ને એક ડાળખી જ ખેરવી આપી હતી. આ જ પાન પર વિધાતા ભરતનો હિસાબ લખી ગઈ છે. એ પછી ચાર વરસ પોરબંદર રહી આવ્યા. ત્યાં પણ ક્વાર્ટર પાછળ કૂવાના થાળે પીપળાનું એક ઝાડ હતું. એ ઝાડને જોઈને રાજકોટના અમારા એ અશ્વત્થરાજને યાદ કરતો. ફરી રાજકોટ બદલી થઈને આવ્યા પછી ૧૯૬૭માં એ જ શેરીમાં એ જ ઘરમાં રહેવાનો યોગ થયો અને ત્યારે જ મારો એ પીપળા સાથે નિકટ સંબંધ બંધાયો.

તેનું થડ સીધું ન હતું, સ્હેજ નમેલું. તેનું મુખ્ય થડ ત્રણ શાખોમાં વહેંચાયેલું. એક ડાળ મુખ્ય થડ જ દિશામાં અનેક શાખા પ્રશાખાના લયવિન્યાસો રચતી ઉપર ચડેલી અને બીજી બે મુખ્ય શાખો ક્ષિતિજને સમાંતર અલગ અલગ દિશામાં વિકસેલી. આખા વૃક્ષ મુદ્રા એક પગનો નમનીય કાટખૂણો બનાવી બે હાથની ભંગિમામાં સ્થિર થયેલા ભરતનાટ્યમના નર્તક જેવી લાગતી. પવનની એક લહેરખી આવતા તો આખો પીપળો ખળખળવા લાગતો. ખળખળતો શબ્દ વાપરવો પડે તેવો જ અવાજ પવનમાં તેના લાંબીદાંડી વાળાં પાન ફરફરતાં ત્યારે આવતો. ક્યારેક ઘરમાં બેઠાં બેઠાં એવો ભ્રમ થતો કે ઓચિંતાનું ઝરણું ક્યાંથી સંભળાયું ! આ પીપળો છેક મારા રવેશ સુધી ઝૂકેલો.

પરીક્ષા વખતે વાંચતા વાંચતા લાંબા રવેશમાં લટાર મારતા મારતા થાંભલીને અઢેલી કઠેડાથી ઝૂકીને રાત્રિ સ્તબ્ધતા પીતો પીતો, પીપળાના પાન વચ્ચેથી મૌન ઝબકતા તારાઓને જોતો, પડી ગયેલા પવનમાં એકાદ કંપતા પાનનું કંપન અનુભવતો ઊભો રહેતો. મારા એકાંતના કેટલાંય કલાકોનો તે સાથી સાક્ષી છે. સવારે સૂર્ય તેના પ્રકાશનો કુંભ વિખેરતો હોય તેના કિરણો ભાવિક સ્ત્રીઓની જલઅભિષેકની ધારમાં સોનાની ધારા બની દડતા હોય. રોજ-બ-રોજના એ કંતાઈ ગયેલા થાકેલા સામાન્ય ચહેરાઓ શ્રદ્ધાના અને સૂર્યના પ્રકાશમાં કશુંક એવું અનન્ય રૂપ અપૂર્વ રૂપ ધારણ કરતાં કે શરીરથી પર કોઈ સૌંદર્ય છે તેનો પહેલો અહેસાસ પ્રતીતિ એ પીપળા નીચે થઈ છે. જમીનથી થોડે ઉપરનું થડ રોજ રોજ પાણી રેડવાથી લીલને લીધે લીલાશ પડતું કાળું થઈ ગયું છે. એની ઉપર અબીલ ચંદન કંકુના રંગ ટપકાં, પીળી લાલ કરેણના ફૂલો, થડની બખોલમાં પીળા પ્રકાશથી ટમટમતી પાંદડાંના પડિયામાં રાખેલી ઘીની વાટો, તળિયેથી ફૂટતી નાની કુમળી લીલી રતુંમડી ડાળીઓ એ બધું ચિત્તમાં તે વખતની ભાવસ્થિતિ સાથે પડ્યું છે.

કેટલાંય સઘન ઇન્દ્રિય સંવેદ્ય અનુભવો આ પીપળાએ મને કરાવ્યા છે. ચોમાસું જામ્યું છે. રમેશ પારેખ કહે છે ‘ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ખીલ્યું’ તેવું ચોમાસું. આખીય સાંજ વરસાદ વરસ્યો છે. ટાઢોડું થઈ ગયું છે. આકાશ હજી લથબથ છે. અનરાધાર વરસતું નથી. પણ કોક કોક ટીપાંએ ચુવે છે. ટીપાંનો પીપળાના કડક પાનપર પર પડ્યો હોય ટપ અવાજ સંભળાય તેટલી શાંતિ છે. શેરીમાં કૂતરુંય ક્યાંથી રખડતું હોય ? તે તો ભરાઈ ગયા છે ઓટલા નીચે કે હૂંફાળા કોથળા નીચે. આકાશમાં ભયાનક રસને પુટ આપતી કાળાશ છે અને ઠંડી હવાના સુસવાટા. ઓચિંતું જ વડવાગોળનું એક ઝૂંડ તેમના બિહામણા ફડફડ અવાજથી ઊતરી આવ્યું છે. એક પછી એક ડાળ પર ઊંધી લટકતી જાય છે. અંધારામાં ક્યારેક ક્યારેક તેમના ઝગડવાની તીણી ચિચયારીઓ સંભળાય છે. બે ચાર ખીજકણી વડવાગોળ તેમની ડાળીએ કોઈને ઢૂંકવા નથી દેતી અને આખીય રાત તેમની ચહલ પહલ ચાલ્યા કરે છે. રાતે જ ઊંધી લટકતી લટકતી પાકી પેપડીઓ ખાધા કરે છે. સવાર પહેલાં તો આખું ટોળું ક્યાં ઊડી જાય છે તેની ખબર નથી પડતી. કોઈ અણધડ ઉતાવળી વડવાગોળ વીજળીના તાર વચ્ચે ચોંટી જાય છે અને તેનું તપખિરીયું કાળું શબ લટકતું રહે છે દિવસો સુધી.

આ પીપળા નીચે બપોરે ગાડું છોડી થડે બળદ બાંધી કોઈએ બપોરવાસો કર્યો છે. બળદને પગમાં ખરી જડતાં પણ આજ પીપળા નીચે જોયેલું. ખેડૂત મારી ફોસલાવીને બળદને સુવરાવે છે અને પટ્ટાવાળો લેંઘો પહેરીને આવેલાં હાથમાંની લાકડાની પેટીમાંથી લોખંડની નાળ કાઢતા ગફરમિયાં બળદને હળવેથી પંપાળી પગની ખરીમાં ખીલા ઠોકે છે. અહીંયા સવારના ટાઢા પહોરમાં કે નમતી સાંજે મદારી તેની અવનવી જબાન બોલતો, કરંડિયામાંથી જનાવર કાઢતો, દેરાણી-જેઠાણીના દાબડામાંથી લખોટી ગુમ કરતાં ‘ચલો બચ્ચાં તાલિયાં બજાવ’ કહેતો તેની લુંગી સમેટી ગાલ ફુલાવી બીન વગાડે છે. કોઈ વાર અજવાળિયાના દિવસોમાં લાઈટ જતાં પીપળા નીચે તેજ છાયાની રમ્યભાત ઊપસી આવી છે.

પક્ષીઓ સાથે મારી મૈત્રી કરાવનાર પણ આ પીપળો જ. બપોરે પીપળાની કોઈ પાતળી ડાળે હોલો બેસીને એટલું એકલું ઘૂઘવે છે કે આ શેરી સહરાનો અફાટ વિસ્તાર થઈ જાય છે. કાગડાઓ તો કાયમ માળો બાંધે છે. કોયલ ઉનાળાના દિવસોમાં ડોકાય છે. આમ તો આટલામાં જ ક્યાંક અથવા તો આ પીપળા પર જ રહેતી હશે પણ ઉનાળામાં તેના કંઠથી છતી થાય છે. શહેરમાં પહેલ વહેલું પીળક (Golden Auriole ) અહીં જ જોયેલું. ખરેખર નામ તેવો જ રંગ.ચળકતા સોનેરી પીળા એ સુંદર પક્ષીનો અવાજ પણ રેશમ જેવો સુંવાળો. આ જ રવેશમાંથી સુરેશ જોષી રાજકોટ મારે ઘરે આવ્યા ત્યારે અમે કંસારો જોયેલો. એ નાનકડા પક્ષીના પ્રાણમાંથી નીકળતો હૂક – હૂક અવાજ સાંભળેલો. વડોદરાથી સુરેશભાઈનો કાગળ આવ્યો તેમાં પણ તે કંસારાને યાદ કરેલો. સરકસ ગામમાં આવે ત્યારે તેના ચારા માટે સર્કસનો મહાવત હાથી લઈને પીપળાની ડાળીઓ તોડવા આવતો ત્યારે આંગણે હાથી આવ્યાનો આનંદ થતો અને પીપળાનાં પાંદડાં તૂટવાનો રંજ પણ થતો.

આવો સદાબહાર અમારો ભેરૂ ભાઈબંધ વૃદ્ધ વડીલ પીપળો અચાનક જ કરમાવા લાગેલો. બેચાર મહિનામાં તો સુક્કી શાખો વચ્ચે મૃત્યુફળ લઈ બેઠેલું વિશાળ વૃક્ષ કંકાલ થઈ ગયેલું. આસપાસના મકાનો પર સુક્કી ડાળીઓ પડવાના ભયથી ધીમે ધીમે લાકડું બની કપાવા લાગેલો. પીપળો ગયા પછી શેરી શેરી ન રહી. આસપાસના ભાવિક ભક્તજનોએ વૃક્ષપ્રેમીઓએ એ જ જગ્યાએ નવો પીપળો વાવી ઈંટોના કુંડાળાથી રક્ષણ આપ્યું. આજે એ પીપળો પણ ઊંચો વધતો વધતો ભાવિકોના અભિષેક ઝીલતો થયો છે પણ પેલા પીપળાની વાત તો વાત જ ન્યારી છે.


0 comments


Leave comment