45 - ચુકાયેલા જીવન સાથે ભૂલાયેલા મૃત્યુ સાથે જોડતી : માંદગી / યજ્ઞેશ દવે


આજે જ તાવ ઊતર્યો. તાવ ઊતર્યો એટલે જાણે ઝેર ઊતર્યું. શરીર આખાને બાનમાં લીધેલું. કાયાને એકે એક સંસ્થાનોએ લગભગ સામટો જ બળવો પોકારેલો. અંગે અંગમાં હુલ્લડ, રમખાણો ફાટી નીકળેલાં. આટઆટલા સાંધા છે તે તો કળતરે જ ખબર પાડી. લમણામાં તો એનેક રઘવાઈ ઘોડાગાડીની નાસભાગ ચાલતી હતી. ચેતના તો ક્યાંય ખૂણામાં બઘવાઈને ગૂંચળું વળીને બેસી ગઈ હતી. ભલું થજો. એન્ટીબાયૉટીક માતાનું એક બે દિવસમાં તેણે જુદ્રે ચડી રણચંડી બની ઘેરો પાછો ઠેલ્યો. રિપુઓના દળને અસિ, ખડ્ગ, ત્રિશુલથી પરાસ્ત કર્યુંને સવારે મારા કપાળે તેનો હાથ પસવારીને કહ્યું. “ઊઠો દિ’કા. હવે કેમ છે ? જો સવાર પડ્યું.”

આજની સવાર ખરેખર અસહ્ય સુંદર હતી. આવી કેટલીય સવારોને મેં ભૂતકાળના ખાતામાં એમ જ ઓલવી નાખેલી. આજે એમ ન હતું. તો જ તો તેને ‘ટેઇકન ફોર ગ્રાન્ટેડ’ લીધેલી, આજે ખબર પડી કે ખંડમરણ જેવી નિદ્રામાંથી ઊઠાશે જ તેવી કોઈ બાહેંધરી સોનાને પતરે લખી આપણને આપી ગયું નથી. દરેક સવારને નવી જ સમજવી. રોજ એકડે એકથી જ ગણવાનું અને જે નિત્ય છે તેને જ નૂતન તરીકે પામવાનું. અને આજની સવારમાં સુન્દરમે ’૧૩. ૭મી લોલક’માં જે તડકાને ઇષતસ્પર્શ મેંદા જેવો સુંવાળો કહેલો તેય જોયો. કલબલતા વૈયાય જોયાં. દફતર ભેરવી સ્કુલે જતી ટણક ટોળી જોઈ. આકાશમાં ઊડતી લીલા પોપટાનાં કલશોરથી અંકાતી જતી કલ કવિતાય જોઈ, સામેના મેદાનનો બાથ ભરી આવકારતો અવકાશેય જોયો. કેમ ન જોઉં ? આજની સવાર મારી પીડાની કમાણી હતી.

આ માંદગીએ શરીરનો મહિમાય સમજાવ્યો. સ્વાસ્થ્યની હું એવી વ્યાખ્યા કરું છું કે કોઈપણ અંગ તેની હયાતીની હાજરી ન પુરાવે અને તમે તેનાથી અભાન રહી શકો તેનું નામ સ્વાસ્થ્ય આપણે જૂના જગતની અજાયબીઓ વિશે, નવા જગતની અજાયબીઓ વિશે વાંચતા હોઈએ છીએ પણ એનાથી પણ મોટી અજાયબી આ માનવ શરીર છે તેના વિશે કેટલું ઓછું જાણીએ છીએ ! ગીતામાં તેને જૂના વસ્ત્રની ઉપમા આપી કે મીરાંબાઈએ ‘જૂનું તો થયું રે દેવળ’માં બીજી ભૂમિકાએ તેને ગૌણ ગણ્યું તે જુદી વાત છે. કાલિદાસે તો તેને જ ‘ખલુ આદ્ય ધર્મ સાઘનમ’ કહી બીરદાવ્યું તો યોગીઓ – સિદ્ધોએ એમાં જ ષટ્ચક્રની, ત્રિવેણી ઇડા પિંગલા સુષુમણાની સાધના કરી. કરોડની વચ્ચે આવેલી મગજમાંથી સંવેદના સંદેશનું વહન કરતી સ્પાઈનલ કોર્ડ અને તેની ડાબી જમણી રહેલી પેરાસિમ્પેથેટીક નર્વ તે જ ઇડા પિંગલા સુષુમ્ણાની ત્રિવેણી. આ ત્રિવેણીમાં જ સંતો નાહ્યા. ભવિષ્યમાં કોઈ આ ગૂઢ વિદ્યાને પ્રયોગથી વૈજ્ઞાનિક આધારો સાથે સરખાવી જોશે ત્યારે આધ્યાત્મ અને વિજ્ઞાનના છેડા ક્યાં મળે છે તે જોઈ શકાશે. આ શરીરની એકે એક સિસ્ટમને અનન્ય સૂઝ, સફાઈપૂર્વક સૂક્ષ્મ સ્તરે ગોઠવેલી છે. અને એ બધી સિસ્ટમ વચ્ચે પણ સંકલન છે. બધું આજના સિસ્ટમ વિજ્ઞાન-સાયબરનેટીક્સના સિદ્ધાંત પ્રમાણે નેગેટીવ ફીડબેક સ્વયંશાસિત. મગજનું કાર્ય પણ મલ્ટીફેસેટેડ. ઇન્દ્રિયોના એલચી દ્વારા બધો કારભાર સંભાળે. જન્મથી મરણ સુધી હૃદયને ધબકતું રાખે, આંખ દ્વારા જુવે, એ સાંભળે, સુંઘે, ચાખે, નર્મ મર્મથી બોલે, નરમદાબથી હરખાય; વાદ કરે, વિવાદ કરે, પ્રશ્ન કરે, ગણત્રી કરે, સ્મૃતિને સંઘરે, વખત આવે બધા પટારા પટોપટ ખોલી આપે, અસ્તિત્વનું, હસ્તિનું અસ્તિનું ભાન કરાવે.

બૅક્ટેરિયા, ફંગસ, વાયરસની અનેક રોગકારક જાતોના સમુદ્ર વચ્ચે આપણા આ શરીરની નાવ ભાગ્યે જ ડૂબે છે. આ શરીરની અંદર જ ‘ઈમ્યુન સિસ્ટમ’ – પ્રતિકાર તંત્રની રચના છે. આપણે સાંભળ્યા પણ ન હોય તેવાય હજારો પ્રકારના રોગો આ પૃથ્વી પર છે છતાં એમાંથી ભાગ્યે જ કોઈ એકલ દોકલની હડફેટે આપણે ચડીએ છીએ. આદિમાનવથી આપણા સુધી આજ ઈમ્યુન સિસ્ટમે માણસને આ પૃથ્વી પર ટકાવી રાખ્યો છે. મારા ડૉકટર મિત્રને એકવાર વાત વાતમાં મેં કહેલું કે મને રોગ કેમ થાય છે તેનું આશ્ચર્ય નથી થતું પણ આટલા બધાં કીટાણુંજન્ય, આનુવંશીક, ફિઝીયોલૉજીકલ રોગો વચ્ચે આપણને રોગ કેમ નથી થતા તેનું જ મને તો આશ્ચર્ય છે. તેણે જવાબમાં કહેલું કે તેની પેથોલૉજીના પુસ્તકના લેખકે તેની પ્રસ્તાવનામાં માનવદેહનો મહિમાગાન કરતાં આ જ આશ્ચર્ય વ્યક્ત કરેલું. આજે તો ઈમ્યુન સિસ્ટમ અને આપણા શરીરની વહારે આધુનિક તબીબી વિજ્ઞાન, રસીઓ-વેક્સીન, રસાયણો એન્ટીબાયાટેક, પીડાશામકો, ઓપરેશન વગેરે આવ્યા છે. આદિમાનવ કોઈ રોગના સકંજામાં સપડાયો હશે કે તેનું હાડકું ખરાબ રીતે ભાંગતું હશે ત્યારે તેણે કેવી પીડા ભોગવી હશે તે તો કોણ જાણે. એ પીડા તો તેણે જ આપણને પાર કરાવી અને જીવનતંતુ આપણા સુધી લંબાવી આપ્યો.

જોયું ? વાતમાંથી વાત ઊનના દડા ની જેમ કેવી ઉખળતી ગઈ. વાત હતી માંદગીની. આ માંદગીમાં જ નિર્ભરતા પરાધીનતાના પાઠ ભણવા પડે. ‘અંગના તો પરબત ભયો, ડયોઢી ભઈ બિદેશ’ જેવી દશા થાય. દિવસો સુધી આંગણુંય લાંઘી ન શકાય. ઉબર દુલંધ્ય પર્વત બની જાય. ઘરમાં રહેવા છતાંય એ ઘરની બપોર કેવી હશે, છોકરાંઓ સ્કૂલેથી આવી શું કરતાં હશે, પત્ની રસોડાનું કામ ઝપડાભેર કેમ આટોપતી હશે તે જાણવાનો મોકો મળે છે. બપોરની અલસતા, સમળીના સેલારા, લંબાતા ટુંકાતા પરછાયાઓ, ઢળતી સાંજ ખુલતાં ડેલી બારણાં, કોઈ છોકરાનો રડવા કકળવાનો અવાજ, ફેરિયાની જાત જાતની બૂમ એ બધું પામવાનો મોકો મળે છે. કાચી જેલના રાજવી કેદી જેવો ઠાઠ તમારી પીડા સહ્ય હોય તો તમે ભોગવી શકો. આ તો થઈ થોડા દિવસોની નવીનતા. પછી તરત જ ઘર અકારૂં લાગવા માંડે છે, શ્રીઅરવિંદ વિશે સાંભળેલું કે વરસો પછી તેઓએ તેમના બ્લોકની બહાર પગ નહતો મૂક્યો. એમની એ અનુશાસિત કેદ તેમણે જાત પસંદ કરી હતી. અને એ તો યોગી – અંદર જ એક વિશાળજગતને વસાવનારા, તેને જન્મ આપનારાં. આપણા જેવા સામાન્ય માણસમાં એક અપવાદરૂપ જોયાં મારા મિત્રના પિતા કાંતિલાલભાઈ શાહને. છેલ્લા વીસ વરસ લગભગ પથારીવશ રહ્યાં. છેલ્લાં વરસો તો એવા ય હતા કે ઘરની બહાર હૉસ્પિટલમાં દાખલ કરાયા સિવાય પગેય નહીં મુકેલો. દમનો હઠીલો વ્યાધિ ચડે ત્યારે રાતોની રાતો બેઠા બેઠા ઓશીકાને સહારે કાઢવી પડે. છતાં જયારે પણ તેમને ઘરે જઉં ત્યારે વિદ્યાવ્યાસંગ જ હોય. નીચા નમી વાંચતા હોય, મોં ઊંચું કરી બાળક જેવું હસે. હસે એટલે મરકકે. પીડા વ્યાધિનો કોઈ દંશ ન વરતાય. મનને એવુંને એવું જ સ્વસ્થ રાખેલું. શરીર અને મનને જાણે જુદા જ પાડી દીધેલાં. તેમના રોગ વિશે પીડા વિશે મેં તો શું તેમના ઘરના સ્વજનોય કોઈ દિવસ ફરિયાદ ન હતી કરી. આ પણ એક જાતનું યુદ્ધ છે. શરીર સામે જંગે ચડવાનું યુદ્ધ. એમાંય કાંતિભાઈ જેવા પરાક્રમી વીર પુરુષો હોય છે. એમની ગાથા ગવાતી નથી, ચન્દ્રકો અર્પણ નથી થતાં નહીં તો તેમને જરૂર ‘પરમવીરચક્ર’ મળ્યું હોત.

આ માંદગીની જેમ નવી આંજેલી આંખે સવાર દેખાડી જીવન પ્રત્યે સભાન કરતી ગઈ તેવી જ રીતે મૃત્યુ પ્રત્યે સભાન કરતી ગઈ. સિતાંશુ યશચન્દ્ર કહે છે ‘આ શરીર કે જેના વડે હું મરી શકીશ.’ નો અહેસાસ કરાવતી ગઈ. આ વરદાન સમજી ઉચ્ચારાયેલા શબ્દો છે કે શાપ સમજી ? કદાચ બંને. આ માંદગીએ જીવનના નેપથ્યમાં રહેલા મૃત્યુ પ્રતિ ઇશારો કર્યો. મેં ખૂણામાં મારી સ્વીકૃતિ રાહ જોતું. સંકોચમાં ટુંટીયુંવાળી બેઠેલું બહિષ્કૃત મરણ જોયું. અંદર પ્રવેશ ન હતું માગતું. માગતું હતું માત્ર મારી સ્વીકૃતિ. મારી આંખમાં લેશમાત્ર સ્વીકૃતિ ન હતી. તેને ય કોઈ ઉતાવળ નથી. એક સાચા સત્યાગ્રહીની જેમ મારી સ્વેચ્છાની રાહ જોશે. હું જોઉં છું ક્યારે તેનો સ્વીકાર કરું છું.


0 comments


Leave comment