15 - કોડીના રસ્તે / યજ્ઞેશ દવે


કોઈ શાહી જહાજ તેની ઝાકઝમાળ અને અસબાબ સાથે અચાનક જ દરિયામાં ઊંડે ઊંડે સાતમે પાતાળે ગારદ થઈ ગયું હોય અને અચાનક ભાળ મળે, મરજીવા તે દરિયામાં ખાબકી ત્યાં પહોંચે ને બધું સમુદ્રના શાંત તળિયે એમનું એમ મળી આવે તેવું મેં પોરબંદર માટે ઇચ્છ્યું હતું. મને ખબર છે કે મારા આ નાદાન મનનું એમ માનવું તે ભોળપણ જ હતું. હમણાં લગભગ ત્રીસ વરસ પછી એ શૈશવભૂમિ પોરબંદર જવાનો યોગ થયો. બીજી ઑક્ટોબરે ગાંધીજયંતિની સર્વધર્મપ્રાર્થનાના સંદર્ભે કીર્તિમંદિર પોરબંદર જવાનું હતું. પોરબંદર એ મારે મન કૃષ્ણસખા સુદામાનું નગર નથી, ગાંધીજીનું જન્મસ્થળ નથી, મેં મારા સ્મૃતિ અધ્યાસોથી મારું એક પોરબંદર મનમાં રચ્યું છે. આ ત્રીસ વરસોમાં જયારે જયારે પણ તે યાદ આવતું ત્યારે અંદર એક કસક ઉપડતી. બહારની દુનિયામાં સુખી અને સ્થિર થયો હોઉં તેવી ક્ષણે તેની યાદ એક અજંપો વિહવળતા જગાડતા. શૈશવની સ્મૃતિ કેમ આટલી કાતર હોય છે ? શૈશવ પણ વ્રણ છે દૂઝતો રુઝાતો નથી.

સર્વધર્મપ્રાર્થનાનું પ્રસારણ ધ્વનિમુદ્રણ નિર્વિધ્ને પતાવી સાથી મિત્રો સાથે એ કૉલોની તરફના રસ્તે ડ્રાઈવરને દોરું છું. એ રસ્તે મારા ચાર ચાર વરસની જણસ ભંડારી છે. ચોપાટીના રસ્તા પાસેથી નવયુગ સ્કૂલ તરફ ગાડી આગળ જાય છે. રવિવારની રાજા છે. તેથી સ્કૂલ સૂમસામ છે. ધૂળિયા લીમડા અને પારસપિપળાનાં એ જ બે ચાર ઝાડ ઊભાં છે. એ જ લાંભી પરસાળમાં હારબંધ કલાસ અચાનક દ્રશ્ય ભજવાય છે. હું ભૂરી લાંબી ઘઘી ચડ્ડી અને કધોણ સફેદ શર્ટમાં છું. દૂબળા કાળા રાંટા પગમાં ચડ્ડીના પાયચા લફડ – ફફડ થાયછે. રીસેસમાં ડીસેમ્બરમાં શિયાળાના મ્લાન તડકામાં છોકરાઓનાં નાનાં નાનાં ઝૂમખાં બેઠાં છે. કોઈ ટણક ટોળી સામેનાં બગીચા પર લીમડાનો ગુંદર પાડવા ચડી છે. દફતરના થેલાને ગોળગોળ ફેરવતા એકબીજાને મારતા બે છોકરા લાંબી પરસાળમાં ચીસો પાડતા દોડે છે. બહાર શેરડીની ગંડેરી, કાતરા અને લાલ પીળાં ચણીબોરના ઢગલા પાથરી કે રેંકડી લઈ ફેરિયાઓ ઊભા છે. હારબંધ નળ પર છોકરાઓ ખોબે ખોબે કે મોઢે માંડી પાણી પીતા, ઉડાડતા ભરેલા ગાલનો ફુગ્ગો ફોડી પાણીની ફુવારો છોડતા મસ્તી કરે છે. ટાઢ ધૂડ અને રખડપટ્ટીથી ફાટી ગયેલા પગની ચામડીનાં તળિયાં પણ ભીના કરતાં આછા થઈ જાય છે. મેદાનના ખૂણે આવેલી મૂતરડી પર લીમડાનો ચળાયેલો છાંયો પડે છે. રીસેસનો બેલ પડે છે. ધીરે ધીરે પીવાના પાણીના નળ પર લાગેલી લાઈન ઓછી થઈ જાય છે, મોડો પડેલો એક છોકરો બે ઘૂંટડા પાણી બધું પી ભરાયેલા થાળામાં છબછબિયાં બોલાવતો કલાસમાં જવા દોડે છે. કલાસના મધપૂડા ગણગણતા બંધ થઈ જાય છે ત્યાં તો ડ્રાઈવર કહે છે ‘સાહેબ ગાડી હવે કઈ તરફ લેવાની છે?’

સ્કૂલની સામે એક ખાડ આવતી તને ઠેકીને અમે સ્કૂલે જતા. આસપાસનો કચરો ખુલ્લામાં જાજરૂ ગયેલા લોકોની વિષ્ટા અને મરેલા કુતરાના ઢમઢોલ ઉતરડાયેલા રુંછદાર ચામડીવાળા કીડાંથી બદબદતા શબની ફાટી જાય તેવી દુર્ગંધ મને ઘેરી વળી છે. એ ગંધને નકારવાનો સવાલ નથી. જેમ બીજી બધી ગંધો બીજી સ્મૃતિઓ હક કરીને બેઠી છે તેમ તે પણ. રસ્તામાં મેદાનમાં સવારે ને સાંજે એજ હાથીપગાવાળા ધોતિયું પહેરેલા વૃદ્ધજન તેમનો હાથ જેવો જાડો વરવો પગ હળવેથી ઢસડતા કોથળીમાંથી કીડીઓના રાફડાઓમાં લોટ પૂરતા જાય છે. આવતા જન્મે અમારા પગ મળે તેવી આશા તેમને મનમાં ક્યાંક છે.

આગળ એક બીજું મેદાન છે. દરિયાકિનારે ચોપાટીની પાસે ત્યાં જતાં રસ્તામાં મોટા બગીચાવાળો પથ્થરની બાંધણીવાળો બંગલો છે. બંગલામાં મેં તો બહાર મેંદી કાપતો કે કાળી પાઈપથી કાળી માટીના ક્યારાને પાણી પાતો પગી જોયો છે. અને ક્યારેક બંગલા પાસે જઈ ચડય તો મોટો વિકરાળ પંજાદાર આલ્સેશિયન કૂતરો હાઉ હાઉ કરતો દોડી આવે છે. સ્કૂલે જતા આવતાં તે બંગલામાં કોઈને જતા આવતા જોયા નથી. હા ક્યારેક બંગલામાં રહેતા સાહેબની કાળી ‘ડોજ’ પડી હોય છે. સામે હારમાં બે ચાર શરુનાં ઝાડ ઊભા છે. નીચેની જમીન શરુની સળીઓ અને લાકડા જેવા અણિદાર ફળથી કથ્થાઈ ગઈ છે. રોડની સામે જ તરત એક નીચાણવાળો મોટો ખાડો આવે છે. ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જાય છે. ને તેના કાંઠે અડધા પાણીમાં ડૂબેલા ખટારાઓને પટ્ટાવાળી ચડ્ડી પહેરેલા સરદારજી પ્રેમથી ધૂએ છે. નિર્જન બપોરે કાંઠે પથ્થરની પાટ પર ધોવાનો સફેદ સાબુ આખા ડીલે ચોપડી ઠીકરાથી ઘસી ઘસી બે ત્રણ બાઈઓ નાહતી હોય છે ને નાગુડીયાં છોકરાંઓનાં કાળાં કથ્થાઈ ડીલ બપોરના તડકામાં ચળકે છે.

હવે આવે છે ચૂનાના ખડકોની પથરાળ ભૂમિવાળો વગડો. વચ્ચે ગાડાવાટ ચીલો, સર્પાકાર લંબાઈને ઉખળેલી કેડી, સામે દાંડલિયા થોર હાથીયા થોરની વાડવાળું ખેતર, બીજી તરફ વાડી. વાડીમાં કૂવાપાળે બાદમનાં બે મોટા ઝાડ. ખેતરમાં એકમાંથી બે, બે – માંથી ચાર એમ પંખો ફેલાવેલું તાડનું ઝાડ. “દોડ, દીપક દોડ, ધીરૂ, ગજુ હડી કાઢો, કોણ મોર્ય થાય છે ?” એ વાગી ઠેશ, કોણ ખમ્મા કહે ?” નીશું ને ગીતલી આગળ થઈ ગઈ.” છોલાયેલા ગોઠણની લાલ ટશીયાવાળી ચામડી, ચચરાટ ને ઝીણી ધૂળનો દાબો ને મંડયા ધોડવા. રસ્તામાં ક્યાંક ઘાતકી છોકરાએ મારીને ઊંધું કરી નાખેલું છુંદાયેલા પેટમાંથી બહાર નીકળી પડેલા પીળા ઈંડાવાળું પાટલાઘોનું કીડીઓ ચડેલું શબ, ક્યાંક ઊડીને ફફડાટ કરતો હોલો, સાપના લીસોટા,બોરડીમાં ભરાયેલ ફરફરતી કાંચળી, વીટ્ ટીટીવ ટીટ્ બોલતી ટીટોડી, સાપના ભોણ, સુકાયેલા ઘાસની ગંધ, અને મારી કૉલોનીની ફેન્સીંગ.

સાથી મિત્રો કહે, “આવી ગઈ તમારી કૉલોની ? આ જોવા અહીં આવ્યા’તા ?” હું શું જવાબ દઉં ? મેં કહ્યું ગાડી લઈ ચોપાટી દરિયા કિનારે તમે જાવ હું અડધા કલાકમાં ચાલતો ત્યાં આવું છું. હાશ કરી તેઓ પણ છૂટ્યા અને હું પણ છૂટ્યો. અહીંયા તેમનું શું કામ હતું. ? આમ જુઓ તો મારું પણ શું કામ છે અહીંયા – આ કૉલોનીમાં ? બાશોનું હાયકુ યાદ આવ્યું –

In kyo I am
and stilli long for kyo
Oh bird of time
હું ક્યોટો માં છું.
છતાં ઝંખું છું ક્યોટોને
ઓહ સમયના પંખી !

એ બાળપણની સંસ્કાર નગરીમાં બાશો જઈ ચડે છે અને તે ક્યોટો તેને લાઘતું નથી તેવી રીતે જ મને મારી એ કૉલોની મળતી નથી. મારી કૉલોનીમાં જ તેને શોધું છું. અચાનક જ કૉલોની સંકોચાઈને નાની સાંકડી થઈ ગઈ છે. હું આગળ અમે રહેતાં તે ડી – ૩ ક્વાર્ટર તરફ જાઉં છું. જમણી બાજુ પગીની લાકડાની કેબીન હતી તે હવે નથી. તેની પાછળના મોટા છીછરા ખાડામાં જ્યાં પાવર હાઉસની બળેલી કોલસીઓથી પુરાણ થતું તે ખાડો હવે સમતલ થઈ ગયો છે. બળેલી કોલસીમાંથી રહી ગયેલા નાના નાના કોલસા વીણવા સામેનું હુડકો કૉલોનીમાંથી બાઈઓ તેમના ગંદા ઓઘરાળા કપડાં લઈને આવતી. ચારણીમાંથી રાખ ચાળતી સુંડલીમાં કોલસા ભેગા કરતી. હું પણ ક્યારેક એમ જ મોજ ખાતર સુંડલી લઈ કોલસા વિણવા ગયો છું. બળેલા કોલસાના ચળકતા ધાત્વિક ભૂરી ઝાંય વાળા કડાના ગઠ્ઠા, પગ નીચે કોલસી કચડવાનો કચડ અવાજ, ઊગી નીકળેલા આંકડાનાં જાંબલી ફૂલો પર ફરતાં પતંગિયાં, વાનગોગના Pototo eaters જેવા કોલસીથી ખરડાયેલા ગરીબ લોકોના ચહેરા મારી સામે ફરી તરવરે છે.

હું ધીમે ધીમે આગળ ચાલુ છું. વચ્ચેનું મેદાન સાવ નાનું થઈ ગયું છે. તેમાં કેટલાંક છોકરાઓ રમે છે. તેમને કુતૂહલ છે કે આ ભાઈ કેમ ધીમી ચાલે આ બધું જોતા જોતા ચાલે છે. આ અમારું ઘર આવ્યું, ચાર પગથિયાં ઊંચું, આગળ મેંદીની વાડ હતી જેના પીળાં ફૂલોની વિશિષ્ટ ગંધના ઝાપટાં ઘરમાં આવતાં. અહીં રહેવા આવ્યા એ વરસે કેટલો વરસાદ હતો ! ઘર ખોલતાં જ પાછળ ઓસરીમાં નાની નાની દેડકીઓને ઘરમાં જ કૂદાકૂદ કરતાં ભાળેલી. પાછળ કૂવાના થાળે પીપળો હજી તેવો જ બાઠકો રહી ગયો છે. વડનાં લીલા પાન વચ્ચે ફૂટેલાં લાલ ટેટાંનું કોમ્બીનેશન ઘરમાંથી જ જોઈ શકતો, જેના ટેટાંનો ખટમધુરોતુરો સ્વાદ જીભ પર રમાડવો ગમતો તે વાડ તો ઠૂંઠો થઈ ગયો છે. કોઈએ વાઢી જ નાખ્યો છે.

આ ઘરમાં જ મેં કંટાળા અને ચીડ સાથે ચાર વરસ લેશન કર્યું છે. ઘર અને દરિયા વચ્ચે હતો એક કાચો રસ્તો અને એક બોર ગુંદા નારિયેળની વાડી. એ રસ્તો અને વાડી ઓળંગો એટલે દરિયાના કાંઠે. બપોરની નિર્જન સ્તબ્ધતામાં બારીના સળિયા વચ્ચે ભૂરા આકાશમાં ટપકું થઈ અલસ મૌન તરતી સમળીઓને ઊંઘરેટી આંખે જોતાં જોતાં મેં મચ્છી પકડવા હોડકાંને હલેસાં મારતા ખારવાઓના દૂરથી આછા આછા સંભળાતા અને મનમાં એક વિસ્તાર જગાડતા હેઈસો હેલ્લારોના અવાજો સાંભળ્યા છે. રાતની શાંતિમાં દરિયાનો ઘેરો ઘૂઘવાટો પથારી સુધી આવતો. લાગતું કે પથારી જ દરિયાકાંઠે છે. અને કાંઠે ફીણવાળાં મોજાંઓ આવીને છેક મારી પથારી પાસે પથરાઈને વિખેરાઈ જાય છે. તેના રેતીમાં શોષતા જળથી પટ પટ ફૂટતા પરપોટાના નાનાં નાનાં અવાજો પથારી સુધી જાણે હું કલ્પીને સાંભળતો. ભીના રેતાળ કાચ જેવા પારદર્શક કાંઠે રેતીમાં આકાશ ચળકતું જોયું છે. આ કાંઠે છાના માના ભાગીને નાગા નાગા નહાયા છીએ. સૂકી રેતીમાં સુકાયા પછી પગ અને કૂલા પરથી રેતીને બુશકોટથી ઝાપટીને ખંખેરી છે. અચાનક જ કાંઠે ફરતા ફરતા એક કોડી મળી છે. કોડીમાં ઘૂઘવતો દરિયા મળ્યો છે અને એ કોડી મળ્યાનો આનંદ પછી કયા નથી મળ્યો. એ કોડીની કિમંત કોડીની ન હતી એ તો એક ગુપ્ત ખજાનો હતો. એ રસ્તેથી પાછા વળ્યા પછી એ સિમસિમનું દ્વાર બંધ થઈ જાય છે અને કાસમની જેમ તમે ખોલવાનો મંત્ર ભૂલી જાઓ છો –

એ રસ્તે ગયો નથી ફરી કદી
જે રસ્તે મળી હતી કોડી કદી

દર મહિને શનિવારે રાત્રે બિરલા કૉલોનીમાં મફત પિકચર જોવા અમે પહોંચી જઈએ છીએ. મોડી રાતે ઝબુકતા તારા, દરિયાનો અવાજ અને ઠંડી પવનની લ્હેરખીઓ માણતા કૉલોનીનાં છોકરાઓની ટોળીના બોલાશના અવાજે બિરલા કૉલોનીથી મારી કૉલોની આવીએ છીએ. રસ્તમાં જૂના રાજમહેલ પાસે ખંડેર જેવા એક મકાનની ઊંચી બારી પાસે આવતાં જ છોકરાઓનો અવાજ ધીમો થઈ જાય છે. ભેરુંબંધીમાં પકડેલા હાથની પકડ મજબૂત થઈ જાય છે. અને એ ભૂતબંગલાથી દૂર ગયે જ ભૂત ખવીસ જીન ચૂડેલ માની વાતો શરૂ થાય છે. હમણાં જ જોઈ આવેલ ‘બીસ સાલ બાદ’ ની રહસ્યમયતા પણ તેમાં ઉમેરાય છે. એ મહેલની અગાસીએ ફરફરતા સફેદ વસ્ત્રોમાં એક નારી ધીરે ધીરે ચાલી જાય છે. બે નજીક જો પહોંચીએ તો એ અલોપ થઈ જાય છે. વટવાગોળ ચીખતું ઊડી જાય છે.

અહીંયા જ કેટકેટલું પડ્યું છે. નવરાત્રિની ગરબીની હાલક, જય આધ્યાશક્તિના સ્વરો, કાજુ રેવડીનો પ્રસાદ, હોળીના ઉજાગરાનો રંગ લાવેલી ધૂળેટી, ટીટોડીનાં ઈંડા, ગોઠણના ઘા પર લગાડેલા વગડાઉ પાનના રસના લીલા રગેડા, દરિયા કાંઠે ઉડતાં ફીણ, દીવાદાંડીના શેરડા, આંખમાં પડેલું થોરનું દૂધ, બળતરા, હજામની દૂકાને અરીસામાં દેખાતું મારું દૂબળું મોં, તાજી પાછળ કટકર મશીન ફરતાં થતાં ગલગલિયાં અને ખેંચતા વાળનું દુઃખ, નવી ચોપડીની ગંધ, દરિયાકાંઠે શરુનું એ વન, ચોરેલાં પાકાં ગુંદાનો સ્વાદ, ઘોડાગાડીમાં પિકચરના પાટિયાં, ‘દોસ્તી’,’આયા તુફાન’, ‘સંગમ’, ‘બીસ સાલ બાદ’ના ગીતો’ વરસાદ પછી નીકળેલાં લાલ મખમલિયાં, ઝંઝેડી વીણેલાં પારિજાત, કૂવાના પાણીમાં જોયેલું મોં, ભૂરા વાળવાળી જિગીષા, ઘરે ઘરે રસોડામાં ઝપટ બોલાવતો ગુન્નુ, ભાંગલા હાથવાળો બાઠિયો બકલો, સાવ સાદા કપડામાં પણ ઈન્શર્ટ કરીને ફરતો ધીરૂ, ખરખોડીના ફૂલો તોડતા નાયર કાકા, ગબીમાં કોડીઓ, બાકસની છાપો, ગરગડી, ફીરકીઓ, ટિકિટના સંગ્રહો, ભેરૂબંધો ગોઠિયો ગજુ, દરજીડાનો માળો, ઢેલની પાછળ ફર્યા કરતા ચાર પાંચ રાખોડી કથ્થાઈ બચ્ચાંઓ... કૉલોનીમાંથી પસાર થતો જાઉ છું.આસપાસ કોઈ નથી. એક સમયે પાછળના સૂમસામ નિર્જન ઝાડીવાળા રસ્તે હવે ઉબડ-ખાબડ સોસાયટી છે. થોરની વાડ અને ખેતર વાડીની જગ્યાએ પણ સોસાયટી. ક્યાં ગયા એ બધાં ? અચાનક જ વરસોથી જે ઢાંકણ ધરબી રાખેલું તે ઉઘડે છે. કોઈ અત્યંત નજીકનું સ્વજન ગુજરી ગયું હોયને છાતી ફાટી પડે તેમ પહેલાં સરવાણીથી આંખો વિરડો ભરાય છે. પછી આંખો હોઠ સાથે ખેંચાય છે, હું હૈયાફાટ રૂદનને દબાવવા મૂંગું મૂંગું રડું છું. આંસુઓને લૂછીશ તો પકડાઈ જઈશ તે બીકે કૉલોનીની પાછળ થયેલા નવા રસ્તે નવી સોસાયટીમાંથી મારા સાથીઓ જ્યાં દરિયાકાંઠે મારી રાહ જુવે છે તે તરફ જતો જાઉં છું. કાદવમાં પડેલી ભૂંડણ, દુકાનો, પાનના ગલ્લે લટકતા ચળકતા પાનપરાગ તુલસી તમાકુની પડીકીના હારડાઓ મારી આંખના આંસુઓમાં તગતગી વિખેરાય છે. જીવનમાં આટલું વિદારક દુઃખ કદી થયું નથી. છેલ્લા કેટલાંય વરસોથી રડવાનું પણ બન્યું નથી. અને એમ તો રાજકોટ નડિયાદ કે અમદાવાદ પણ મેં છોડ્યાં છે પણ આ ? મનોવૈજ્ઞાનિકો કહે છે કે અમુક વયે તમારા વ્યક્તિત્વની Blue print ઘડાય છે. તેનો તાળો હવે હું મેળવું છું. ઇન્દ્રીયો પાસે જગતની કેવી ભીડ હતી ? આજે પણ એક એક કલદાર મ્હોર ગણી બતાવું.

ખિન્ન મને લથડતો લથડતો દરિયે આવુ છું. મારા સાથીઓ કાંઠે લટાર મારી રહ્યા છે. પૂછે છે ‘જોઈ આવ્યા ?’મનમાં કહેવાનું મન થાય છે કે એક જુગમાં ડૂબકી મારીને જીવી આવ્યો. સામે ક્ષિતિજ સુધી વિસ્તરેલો એ જ ભૂરો દરિયો છે કે જાણે મને નાનપણના એકાંત ઘેર્યા કલાકોમાં કંઈ કેટલીય કથાઓ કહેલી. હું એ પરિચિત દરિયામાં મારા પગ બોળવા જાઉં છું, ઓળખાણ તાજી કરાવવા જાઉં છું – કોઈક તો એનું એ હોય જે એમ કહે ‘સારું થયું, તું આવ્યો !’


0 comments


Leave comment