12 - ભ્રષ્ટ ગીતો? / ઝવેરચંદ મેઘાણી


કોઈ ભાગેડુ ખારવણનું ઝંખના-ગીત ગવાયું. આવાં ગીતોને આપણે ’અનીતિમય’ કહીએ છીએ : ’અનીતિમય’ : ભ્રષ્ટ : કારણ? કારણ કે આ ગીતો પોતાનાં ગાનારાંનું જીવન જેવું છે તેવું ગાઈ બતાવે છે. બીજું કારણ એ કે આપણાં નીતિનાં, પવિત્રતાનાં તેમ જ સભ્યતાનાં ધોરણો જુદાં છે. આપણી કવિતા જીવનની સામે આરસી ધરતી નથી. એટલે આપણને એક જ ખ્યાલ રહી ગયો છે કે સાચી યા ખોટી, સ્વાભાવિક કે બનાવટી, ભાવનાના ઝાકમઝોળ હિંડોળા ચડાવે તે કવિતા.

હું તો આદર્શોની કવિતા શોધવા નહોતો આવ્યો. ગ્રામ્ય ગીતોમાં કાવ્યનું તત્ત્વ ઘણું ગરીબ હોય છે. એ કાવ્યો નથી. જીવનની આરસીઓ છે. મારે તો એમાં અંકિત બનેલી ખલાસી-જીવનની રેખાઓ પકડવી હતી. કોઈ ફસાયેલી, દગાનો ભોગ થઈ પડેલી ખલાસી કન્યાની મેં આ કાવ્ય-છબી સંઘરી લીધી :

પીથલપરનો પાવો રે, માલિયા! પીથલપરનો પાવો;
તારા પાવાને રાગે હાલી આવું રે, મારી હેડી!
પછવાડે પાવા વાગે રે, માલિયા!
પછવાડે પાવા વાગે,
તારા પાવાને લીલાં પીળાં મોતી રે, મારી હેડી!
હાલ્યને ભાગી જાયેં રે, માલિયા!
હાલ્યને ભાગી જાયેં;
આપણે ભાગીને ભાલ ભેળાં થાયેં રે, મારી હેડી!
મંબી શે‘ર છે મોટું રે, માલિયા!
મંબી શે‘ર છે મોટું;
તુંને કી કી ગલિયુંમાં ગોતું રે, મારી હેડી!
તારા પગની બેડી રે, માલિયા!
તારા પગની બેડી;
તેનાં મુંને કડલાં ઘડાવો રે, મારી હેડી!
તારા અંગનો રે રૂમાલ, માલિયા!
તારા અંગનો રે રૂમાલ,
તારા રૂમાલિયા દેખી રૂંગાં આવે રે, મારી હેડી!
હાથુમાં છે સોટી રે, માલિયા!
હાથુમાં છે સોટી;
હવે તારી દાનત થઈ છે ખોટી રે, મારી હેડી!

હે મારા જોડીદાર પિયુ માલિયા! પીથલપર ગામથી તારો પાવો (બંસી) બજી રહેલ છે. એ પાવાને લીલાં-પીળાં ફુમકડાં શોભે છે.

મારી પછવાડે પછવાડે એ પાવો તું બજાવે છે. એના સૂરોનું વશીકરણ થતાં હું આકર્ષાઈને ચાલી આવી છું, હે મારા જોડીદાર!

હે માલિયા! ચાલો આપણે બેઉ નાસીને ભાલ પ્રદેશમાં ચાલ્યાં જઈએ.

તું તો મુંબઈ ચાલ્યો ગયો. એવડા મોટા શહેરની કઈ કઈ ગલીમાં હું તને શોધું?

હે માલિયા! તારા પગનાં ઘરેણાંમાંથી મને કડલાં ઘડાવી દે.

તારા અંગ ઉપર શોભતો રૂમાલ દેખીને મને પ્રેમનું રુદન આવે છે.

પણ તારી મારા પ્રત્યેની વૃત્તિ હવે બદલી ગઈ છે. તું મને રઝળાવે છે.

આવું જ કોઈ ભગ્નહૃદયી ગ્રામ્ય યૌવનાનું સાત વર્ષો પર સંઘરેલું ગીત યાદ આવે છે; ઘણો કરુણ એનો ઢાળ છે :

ઊંડી તળાવડીનો આરો!
માયાળુ રે, ઊંડી તળાવડીનો આરો;
તારે માથે બંધૂકુંનો ભારો રે, માયાળુ!

નોંધારી તેં મુંને રાખી,
માયાળુ રે! નોધારી તેં મુંને રાખી;
હું તો વાટલડી જોઈ જોઈ થાકી રે, માયાળુ!

તારા તે હાથમાં છતરી,
માયાળુ રે, તારા તે હાથમાં છતરી;
તારી છતરી દેખીને વાત પતળી રે, માયાળુ!

તારી તે ડોકમાં છે કંઠી,
માયાળુ રે, તારી તે ડોકમાં છે કંઠી;
તારી કંઠી દેખીને વાત વંઠી રે, માયાળુ!

મરજે ને માંદો તું પડજે,
માયાળુ રે, મરજે ને માંદો તું પડજે;
તારા જીવતમાં જીવડા પડશે રે, માયાળુ!

અને એવું જ એક બીજું ગીત :

હજીયે ના‘વ્યો રે હેડીનો, હજીયે ના‘વ્યો;
છેલ માયલો છેલ છોગાળો હજીયે ના‘વ્યો.

સીમાડાની વાટ્યુ રે, હેડીના, સીમાડાની વાટ્યુ;
સીમાડે જોઈ જોઈને રે મારી ઓડ્યું દુઃખી.

માથડાં દુઃખે રે, હેડીનાનાં માથડાં દુઃખે;
આછે ને રૂમાલિયે રે વાલ્યમનાં માથડાં બાંધો.

એ ગીતમાં પણ ત્યજી જનાર પુરુષને માટે ઝંખના ગવાય છે. આ ગીતો મશ્કરીનાં નથી, ’ઈશક’નાં નથી. સ્ત્રીહૃદયના ભુક્કા થતાં જે અવાજ ઊઠે છે, તે અવાજ આ ગીતોનો છે. પરંતુ આપણી સૌષ્ઠવ અને સભ્યતાની લાગણી કંઈક એવી તીક્ષ્ણ બની છે કે આવાં તો શું, નીચે લખું છું તેવું ગોવાળ-ગોવાળણનું સંવનન-ગીત પણ આપણને સૂગાવે છે :

બકરાં તરસ્યાં જાય છે રે, સોમલ!
બકરાં તરસ્યાં જાય છે;
જાય છે રે મારા ઘેલીડા રે, રબારી!

ખોબલે પાણી પાય છે રે, સોમલ!
ખોબલે પાણી પાય છે;
પાય છે રે મારા ઘેલીડા રે, રબારી!

વેળુમાં વીરડા ગાળશું રે, સોમલ!
વેળુમાં વીરડા ગાળશું;
ગાળશું રે મારી સોમલડી રે હજારણ!

પહલીએ પાણી પીશું રે, સોમલ!
પહલીએ પાણી પીશું;
પીશું રે મારી સોમલડી રે હજારણ!

અરધાના લાડવા લેશું રે, સોમલ!
અરધાના લાડવા લેશું;
આરે બેસીને આપણ જમશું રે મારી સોમલડી રે હજારણ!

સોમલ નામની ગોવાળ-કન્યા કહે છે કે, હે ઘેલુડા રબારી! આ તારાં બકરાં તરસ્યાં જાય છે.

હે ઘેલા રબારી! તું બકરાંને ખોબે ખોબે કેટલુંક પાણી પાઈશ?

ગોવાળ જવાબ આપે છે : હે મારી વહાલી સોમલ! આપણે બેઉ મળીને નદીની વેકુરીમાં વીરડા (પાણીના ખાડા) ગાળશું.

પછી એમાંથી આપણે બન્ને અંજલિઓ ભરી ભરીને પાણી પીશું.

અરધા રૂપિયાના લાડુ લઈને આપણે નદીના આરા પર બેસી જમશું.

'દક્ષિણ હિન્દનાં લોકગીતો’ સંગ્રહનાર યુરોપી વિદ્વાન ચાર્લ્સ ગોવર એ સંબંધમાં લખે છે કે :

"મનોવિકારવાળા પ્રત્યેક જીવનની અંદર પ્રવેશતી જે બાબતો છે, તેને વિષે જરીક ઇશારો પણ ન કરવાની આપણા નર્યા શિષ્ટાચારે જ મના કરી છે... બાકી તો આપણા બીબે ઢળાતા શિષ્ટ સાહિત્યની સપાટી ઉપર જે કદી જ ન તરવરી શકે, ને છતાં જે ઊર્મિઓ પ્રજાની માન્યતાઓના ખુદ તત્ત્વ સમાન છે, તે આંતર્ગત ભાવોના ઉચ્ચારણને સદા તાજું જ રાખનારાં આ લોકગીતો છે."

ટેમ્સ નદીના ઉપરવાસના પ્રદેશમાંથી લોકગીતો વીણનારા અંગ્રેજ આલ્ફ્રેડ વિલિયમ્સને પણ એ ’અશિષ્ટ ને અસભ્ય’ પ્રકારનાં ગીતો મહત્વનાં લાગ્યાં. એણે લખ્યું છે :

"આ ગીતો સંઘરવા બદલ હું વાચકની માફી નથી માગતો. એ અસભ્ય હશે, પણ સદંતર દુષ્ટ નથી. એમાંનાં ઘણાંએક તો કટાક્ષગીતો છે. એ અનીતિને આલેખે છે તે કંઈ અનીતિને ઉત્તેજના કે સૂચિત કરવા અર્થે નહિ, પણ મર્મપ્રહારો કરવા માટે. આજે આપણે એને અસભ્ય કહીએ, પણ સરલ અને અણવંઠેલા ગ્રામ્યજનોને એ અસ્થાને નહોતાં લાગતાં. તેઓને એથી કશી હાનિ નહોતી દેખાતી. શરમ અને લજ્જાની તેઓની સમજ આપણા જેવી નહોતી. આપણી સરખામણીએ એ લોકો નિર્દોષ હતાં. આપણને લજ્જા અને સભ્યતાનું ભાન થયું, પણ તે કેટલા મોટા ભોગે! સાચી વાત એ છે કે શરમ આપણા પક્ષે છે, ગામડિયાંને પક્ષે નહિ. ને વળી જ્યારે ગીતો દેખીતાં જ દુષ્ટ હતાં, ત્યારે પણ તેમને વિષે આટલું તો કહી શકાય કે એ પ્રામાણિકપણે દુષ્ટ હતાં. એટલે કે એ સીધાંસાદાં, નિખાલસ ને સ્વાભાવિક હતાં. બીજી રીતે કહું તો એ નીતિપૂર્વક અનીતિમાન હતાં. આપણા આજકાલના જલસાઓમાં ગવાતાં કેટલાંક ગીતોની પેઠે એ ગ્રામ્યગીતો શબ્દચાલાકીથી દુષ્ટ સૂચન કરનાર નફટ દંભી ગીતો તો નહોતાં જ."


0 comments


Leave comment