6 - ‘મોતી બૂડ્યું મોરણી’ / ઝવેરચંદ મેઘાણી


"બસ? વિવાહ પછી માસ પંદર દિવસમાં જ પાછા મુસાફરીએ ચડશે તમારા પરણેલા જુવાનો?"

“ચડે નહિ તો ખાય શું? મહિના-બે મહિનાની અક્કેક ખેપ કરે ત્યારે માંડ ૮-૧૦ રૂપિયા મળે એને વેપારી કનેથી.”

અપ્ટન સિંકલેરનું 'ધ જંગલ' યાદ આવ્યું. શિકાગો શહેરના એ વિરાટ કત્લખાનાનો મજૂર યુગીન્સ અને એની પરણેતર પોતાના લગ્નદિવસે પણ દિવસભર કારખાને મજૂરી ખેંચી આવીને રાતે પરણે છે, આખી રાત એનાં સગાંવહાલાં અને ઓળખીતાંના સમુદાય જોડે એક હોટલમાં નાચગાન ને ખાણીપીણીમાં ગુજારે છે, પરોઢિયે થાક્યાંપાક્યાં શિર ઉપર એ એક રાતનું ખર્ચ ભરપાઈ કરવાની ફિકરની ગાંસડી લઈ, પોતાના કાતરિયાનું તાળું ઉઘાડે છે અને તુરત જ કારખાનાની વ્હીસલ વાગે છે. નવદંપતી મજૂરીએ ચાલ્યાં જાય છે. આ તેઓની લગ્નરાત્રિ!

ખારવાઓનાં પણ લગ્ભગ એ જ જાતનાં લગ્ન : દરિયાઈ મૃત્યુના કફન નીચે પોઢતું દંપતી જીવન.

“તમારે વિવાહનો સંબંધ કેટલે દૂર થાય?”

“આ બેટ, ચાંચ, પટવા ને ત્રવડા : ફક્ત આ ચાર ગામની જ અંદર, એથી બહાર નહિ.”

બરાબર છે. મૃત્યુની સોડ્યમાં પોતાની પુત્રીઓને સુવાડવા આ ચાર ખારવાઈ ગામો સિવાયનાં બીજાં કોણ લોકો આવે? વહાણે ચડ્યો ખલાસી પાછો તો ઘેર પહોંચે ત્યારે ખરો. પ્રત્યેક વિદાય છેલ્લી જ સમજવાની. પ્રત્યેક મિલન એક નવો અવતાર. એ ચિરવિયોગીઓની ઝંખનાનાં ગીતો તો હું કતપરના વર્ણન ટાણે જ આપીશ. નાવિકોની સ્ત્રીઓની નીતિ ઉપર આપણે 'ધરતીના પરમ પવિત્ર મનુષ્યો' કેવા કટાક્ષો કરીએ છીએ તે પણ હું ત્યારે જ છણીશ.

અત્યારે તો નાવિક જીવનની આ કરુણતામાંથી ટપકેલ એક આંસુ સમાન ઘટના મારી સામે તરવરે છે. શિયાળબેટની ધર્મશાળાના ઢોરા ઉપરથી બરોબર સન્મુખના બિન્દુ ઉપર, સમુદ્રના સામા પારની એક ઊંચી ટેકરી ઉપર ચાંચુડા મહાદેવની દેરી છે. બેટ અને ચાંચુડા વચ્ચે બે જણાં ડૂબ્યાં છે : એક તો બેટની ખલાસી નાર મોરણી, ને બીજો ચાંચૂડાનો પૂજારી બાવો ભભૂતગર :

ચાંચુડે ચઢવા જાય; (મારું) પાંજર પોત્યું કરે,
(ત્યાં તો) બેટના બારામાંય, મોતી બૂડ્યું મોરણી.

'મોરણી! રાત્રિના અંધકારમાં તું બેટથી ઊતરીને બે તૂંબડાં બાંધેલ વાંસ ઉપર તરતી તરતી આવતી હોઈશ એમ સમજીને મારું દેહ-પીંજર આ ચાંચુડાની ભેખડે તને નિશાની કરવા ચડે છે. એ નિશાનીને આધારે રોજ રાતની કાળી મેઘલી ઘટામાં, ખાડીના ચાહે તેવા તોફાનને વીંઝી તું આંહીં આવી પહોંચતી, પરંતુ આજ તો મારે નિશાનીનો દીવો ધરી રાખીને વાટ જોયા જ કરવી પડી. કેમ કે મારું મોતી મોરણી તો બેટના બારામાં જ ડૂબી મરી.'

મોતની અચોક્કસ લાંબી સફરો ખેડતાં કોઈ ગરીબ નાવિકની પરણેતર ઓ મોરણી! તું શું તારા નિત્યના વિજોગથી કંટાળી ગઈ હતી? સામે કાંઠે બળતણનાં કરગઠિયાં વીણવા જતાં શું તને ચાંચુડાના પૂજારીની પ્રીત ડંખી હતી? મોડી રાતે વાંસડાને બે છેડે બે તૂંબડાં બાંધીને તેને આધારે આટલો લાંબો ને ઊંડો સાગરપટ ચુપચાપ તરી જવાનું કૌવત તને કોણ આપી રહ્યું હતું? તારા પ્રત્યેક રાત્રિના પ્યારને શું તું સામા છાબડામાં તારો પ્રાણ મૂકીને આ કઠોર વિશ્વની બજારમાંથી ખરીદતી હતી? અમે પાખંડી લગ્નનીતિના પલેપલ ભ્રષ્ટ બનનાર ઉપાસકો, અમે કેવળ અનુકૂળતાને અભાવે ઊગરી રહેનાર, લોકાપવાદના ભીરુ શિયળવંતો, અમે દ્રવ્ય, વિદ્વત્તા અને બાપદાદાની આબરૂના જોરે સુંદર સ્ત્રી-શરીરો ખરીદનાર વિલાસીઓ, તને પ્રતિરાતનાં સાગરજળ પાર કરનારીને એક નીતિભ્રષ્ટ ખારવણ કહીએ છીએ. ઓ મોરણી! તારી એ ભ્રષ્ટતાની પછવાડેય કેવું ભીષણ વ્રત ઊભું હતું!

પણ તારાં છુપાવેલાં વાંસ-તૂંબડાં એક દિવસ ઉઘાડાં પડી ગયાં. તારી સાસુએ દગો કર્યો. છાનામાનાં એ તૂંબડાં ખસેડી લઈ, તેની જગ્યાએ માટીના બે કાચા મોરિયા બાંધી દીધા. એ અધરાતને અંધારે દરિયાના મરણપછાડ વચ્ચે તારા પ્યારના વલવલાટે તારા કલેવરને ઝીંકી દીધું. માટીના મોરિયા તારે એક જ શેલારે ઓગળી ગયા. તું ખારવાની દીકરી છતાં શું તરવાનું શીખી નહોતી? તારું શરીર તળિયે જઈ બેઠું અને તારો સામા કિનારાનો પિયુ પણ તારો નાશ થયો સમજી લઈ, ચાંચુડાની ધારેથી દરિયામાં ખાબક્યો. ને પોતે પુરુષ હોઈ રખે કદાચ પડ્યા પછી જીવતરની લાલચ જાગી જાય તે બીકે હાથપગ દોરીથી જકડી લઈને જ પડ્યો. તમારી જળસમાધ ઉપર કોઈ દેરી ચણાઈ નથી, માત્ર કોઈક લોકકવિની કવિતાએ ચાર-છ દુહાની ખાંભી ચણી. તેમાંથી એકાદ આવો દુહો હાથ લાગે છે કે -

ચાંચુડે ચડવા જાય, (મારું) પાંજર પોત્યું કરે;
(ત્યાં તો) બેટના બારા માંય, મોતી બૂડ્યું મોરણી.

સિંધુ નદી ઉપર પણ એક આવી જ રાત અંધારી હતી. અને હરરોજ રાતે સિંધુનાં ભમ્મરિયાં જળ ભેદીને કુંભાર-કન્યા સુહિણી પોતાના સમાજબાતલ પિયુ મેહાર (ગોવાળ)ને મળવા સામે પાર જતી હતી. એને પાર લઈ જનારા પાકા ઘડાને પણ એની માતાએ એક રાતે બદલી લઈ કાચો ઘડો ધરી દીધો. ને એ ઘડાએ મધ્યજળમાં ડૂબતી મૂકેલી દીવાની સુહિણી સામા પારથી પિયુના પાવાના સૂર સાંભળતી સાંભળતી -

ઘિરી ઘરો હાથ કરે, બોયાં ઇ બાંહું;
વેચારીય વડું કિયું, વિચ ધરિયા ધાઉં;
વરજ સાડ ! પાંઉ, તાંકું તકી આંહ્યાં.

[પ્રથમ ઘડો હાથ ધરીને તરી; પછી ઘડો ઓગળી જતાં બાહુઓ (ભુજાઓ) બોળીને તરી; છેવટે ડૂબતાં ડૂબતાં દરિયામાંથી (સિંધુ નદી વચ્ચેથી) એ બિચારીએ ધા ઉપર ધા દીધી કે 'ઓ વહાલા સાડ! ઓ મેહાર! તું પાછો વળી જજે, કેમ કે મને પાણીનાં હિંસક પશુઓએ ઘેરી લીધી છે.]

-એમ પોકારીને સુહિણી જળમાં સમાઈ. મેહારે પણ એની સંગાથે જ દરિયાની આરામગાહ બિછાવી.

એ સુહિણી અને તું મોરણી, બેઉ શું એક જ માર્ગનાં મુસાફિર હતાં? ત્રીજું કોઈ જુગલ તમારે પંથે પળ્યું છે ખરું?

હા, હા; દૂર, દૂર. કોઈક કાળાન્તર પરના ભૂતકાળમાં : અને સ્થળને હિસાબે પણ પારંપાર આઘે, એશિયા અને યુરોપ એ બે ખંડોને ફક્ત અરધો જ માઈલ અળગા રાખીને પડેલી હેલેસ્પોન્ટની સામુદ્રધુનીનાં જીવલેણ વમળોની અંદર.

આંહીં મોરણીનો પ્રેમિક ચાંચુડા મંદિરનો પૂજારી હતો, ને ત્યાં લીએન્ડરની પ્રિયતમા હીરાં દેવીના દેવાલયની પૂજારિણી હતી. યુરોપ ખંડના છેલ્લા ધરતી-બિન્દુ પર ઊભેલ એ જોગેશ્વરીને મંદિરેથી હીરાંની આંખો હેલેસ્પોન્ટને સામે તીર રહેતા જુવાન લીએન્ડરને જ શોધતી હતી. યુરોપ-એશિયાની વચ્ચે પ્યારના ત્રાગડા એ ચાર આંખો નિરંતર કાંત્યા કરતી હતી. સાંકડી સામુદ્રધુનીમાંથી આવ-જા કરતાં અસીમ સાગરતીર અહોરાત એવા તો પછડાટ મચાવતાં કે ન ત્યાં મછવો ચાલી શકતો, ન ત્યાં માનવી તરી શકતું. અર્ધા જ માઈલને અંતરે ઊભેલ બે પ્રેમીઓની વચ્ચે એ સાંકડી નાળ હજાર યોજનનું છેટું પાડીને દાંત કચકચાવતી હતી.

પરંતુ પ્યારના સામર્થ્યે ક્યાં સંકટ ગણકાર્યાં છે જગતમાં! હમેશ રાત્રિએ આ કાંઠેથી લીએન્ડર ઝંપલાવીને પડતો, ને સામે તીરેથી પૂજારિણી મશાલ પેટાવીને દેવાલયના બુરજ ઉપર ઊભી રહેતી. મશાલની ટમટમતી તારલ-જ્યોતને એંધાણે એંધાણે લીએન્ડરની ભૂજાઓ એ વિકરાળ લોઢને ભેદી ભેદી ચાલી જતી. પ્રેમીજનો રોજ ને રોજ રાતે એ રીતે દેવીના થાનકમાં ભેળાં થતાં. પરોઢના અંધકારમાં જ લીએન્ડર પાછો એશિયાને તીરે તરી પહોંચતો.

પરંતુ એક રાત્રિએ સામુદ્રધુનીનાં તોફાન એશિયા-યુરોપ વચ્ચેના આ ત્રાગડાને તોડવાનો નિશ્ચય કરીને જ ચગ્યાં હતાં. પોતાના દેહને ઊંચે ઉપાડી ઉપાડીને પછાડી ભુક્કો કરવા ઉન્મત્ત બનેલ તરંગોની સામે લીએન્ડરે પોણી રાત સુધી મુકાબલો કર્યા કર્યો. મોજાંના મારથી છૂંદાતી એની છાતી ગોટો વળી જતી હતી. તરંગોની ચૂડ એની પાંસળીઓને હમણાં જાણે ભીંસી નાખશે એમ એનો શ્વાસ નીકળી પડતો હતો. છતાં લીએન્ડરનો પ્યાર પરાજય કબૂલતો નહોતો. કારણ? કારણ કે સામે પાર મશાલની દીવડી હજુ તબકતી હતી. વમળમાંથી વારંવાર ઊંચું માથું કરીને લીએન્ડર એ જ્યોતને જોઈ લેતો હતો. જ્યોત દેખાયા કરી ત્યાં સુધી એણે હામ હારી નહિ.

પરંતુ હવે થોડુંક જ અંતર રહ્યું છે, બે-ચાર છલંગે કિનારો હાથ કરી લઈશ, ને પછી આ વેરણ સામુદ્રધુની એના લોઢરૂપી દાંત કચકચાવતી જોઈ રહેશે : ત્યાં તો દીવો ઓલવાયો. વાવાઝોડાના ઝપાટા વચ્ચે મશાલને પોતાના પાલવની આડશે માંડ માંડ સાચવી રહેલી પૂજારિણીની ધીરજને પવને ધૂળ મેળવી. એટલે લીએન્ડર કિનારો હાથ કરવાની આશા ગુમાવીને મોજાંને શરણે થઈ ગયો.

પૂજારિણી હીરાં એ બુઝાયેલી મશાલ સાથે ત્યાં ખડક પરના મંદિરે જ થીજી ગઈ. માન્યું કે આ તોફાનની અંદર આજની રાતની યાત્રા કદાચ પિયુએ માંડી વાળી હશે.

પ્રભાતનું પ્રથમ કિરણ ફૂટતાંની વારે જ એણે મંદિરના ઊંચા કોઠા પરથી નીચે નજર નાખી : ખડકની ભેખડ પર એક ગૌર માનવકલેવર પડ્યું હતું : ભેખડે બાઝેલાં શ્વેત સમુદ્રફીણમાં સિંદૂરિયા રંગનું શોણિત નીતરતું હતું.

દુઃખની એક હાય પુકારી, અને દેહ પરથી પૂજાનાં પરિધાન ફાડી નાખી હીરાં પાણીમાં કૂદી પડી. એક પહોર પછી મોજાંએ એના શરીરને પણ લીએન્ડરના શબની પાસે સુવાડી દીધું.

મોરણી-ભભૂતગર, સુહિણી-મેહાર, હીરાં-લીએન્ડર : એક સોરઠની, બીજી પંજાબની, ને ત્રીજી ગ્રીસની - ત્રણે શું જુદી જુદી ઘટનાઓ હશે? કે એક જ ઘટના પરથી ઘડાયેલી લોકકથા વહાણવટીઓની જીભે ચડીને જુદે જુદે ઠેકાણે ઊતરી પડી હશે? ને પછી શું એને સ્થળ સ્થળનાં લોકોએ પોતપોતાની નજીકનાં એવાં જ ભળતાં સ્થળોની સાથે નોખે નોખે નામે બંધબેસતી કરી હશે? સુહિણી-મેહારની એકની એક કથા પંજાબ, સિંધ તેમ જ કચ્છમાં કાં દાવો પામે? બેટ શંખોદ્વારની નજીક પણ દરિયામાં સુણી-મેઆરના બે ખડકો બતાવવામાં આવે છે, તેનો શો મર્મ? આમ પ્રેમકથાના રસને જે વેળા હું પંડિતાઈની આંચ લગાવી રહ્યો હતો, તે વેળા -

“કાં શેઠ, સા બણાવશું?” જાફરાબાદ તરફ સરતા 'પીરના મછવા'માં વિચારગ્રસ્ત બેઠેલ આ વિદ્વાનને સામત ખલાસીએ નોતરું પુકાર્યું.

“ચા? આંહીં મછવામાં?”

“હા શેઠ, દૂધ તો નથી, એટલે 'સુલતાની સા' બણાવીએ.” સામત ખલાસીની કનેથી આજ પહેલી જ વાર 'સુલતાની ચા'નાં નામ- સ્વરૂપ જાણ્યાં.

“કંઈ નહિ, ભાઈ, હું હજુ બેટનાં રીંગણાંના મઠા અને ભાખરી-મૂળા ઉપર ત્રાપટ દઈને જ ચડ્યો છું. (વસ્તુતઃ 'સુલતાની ચા'નું રસપાન કરવાની શક્તિ હજુ મેં કેળવી નહોતી.) માટે સામતભાઈ, કાંક તમારી દરિયાની વાતું થાવા દ્યો.”

“દરિયાની વાતું?” સુકાન થોભીને ઊંચે બેઠેલ સામતના શ્યામ ચહેરા ઉપર પીળી દંતાવળીની ભાત ઊઠી. એની તીણી છતાં ફિક્કી દેખાતી આંખો એના જર્જરિત ઊંડાં હાડકાંના માળખામાંથી ઊંચી આવી : "દરિયાની વાતું તે શી હોય, શેઠ? સત તો હવે એક ઇંણામાં - ઇ રતનાગરમાં જ રિયું છે, ઇણો ટેમ ઇ કેદીય ચૂકતો નથી. દિયાળે કે રાતે, ઇણી વીળ્ય ને ઇણાં આર એકસરખાં ચાલે છે. ઇ અમારી વહાણવટીઓની સાચી ઘડિયાળ છે. આજ તો સત બીજા કિનામાં રિયું છે, ભાઈ ?”


0 comments


Leave comment