14 - મા! / ઝવેરચંદ મેઘાણી


સાગરના ભવ્ય સૌંદર્ય ભાખતી કવિતાઓ થોડીઘણી વાંચી છે : થોડીએક લખી પણ છે. પરંતુ જેના જોધાર દીકરા અને ધણીઓ પેટ ખાતર એ કાળને ખોળે પોતાનાં પિંજર સોંપીને એક દિન અચાનક તળિયે જઇ બેઠા છે, તેવી આ માતાઓ અને પત્નીઓનાં અસહાય, રૂંધાયેલાં આંસુને દીઠા પછી એ કાવ્ય-લહરીઓ સરી પડે છે; ઓસરી જાય છે. એ -

જ્લધિ-જલ દલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહીં સરતી
જેવી કાન્તના 'સાગર-શશી' કેફચકચૂર કલ્પનાઓ : દિલમાંથી ઊતરી જાય છે. એ

સાગર, સખે, મુજ કાનમાં એવું કંઈ તો ગા!
જીવવું મીઠું લાગે મને, એવું કંઈ તો ગા!

એવાં ન્હાનાલાલ કવિનાં ગરવાં સાગર-સંબોધનોનો નશો, ઝલકતી ઉપમાઓથી ભરપૂર એ દેશબંધુનું 'સાગર-સંગીત' અને

માલા ગૂંથી ગૂંથી લાવે સાગરરાણો,
ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે :
ધરણીને હૈયે પે'રાવે સાગરરાણો
ફૂંલડાં ગૂંથી ગૂંથી લાવે.

એવાં મારાંય થોડાંક નખરાળ રૂપકો અત્યારે કેવળ કલ્પના-ખેલ-શાં ભાસે છે. ધરતી પર સલામત પગ ઠેરવીને ઊભેલા સુખી સાહિત્યકારોએ જ સાગરના સુનીલ રંગોને, ગગન-ગેલતા જલ-તરંગોને, લાખ-લાખ શાર્દૂલો-શાં ઘૂઘવતાં ભરતી-ઓટોને કે ચંદ્ર આલિંગવા ઊછળતી મસ્ત લહરીઓને કંઈ કંઈ લાડીલી ગાથાઓમાં ઉતારી રમાડેલ છે.પણ સાચું જીવન-કાવ્ય એમાં નથી સંભળાતું. સાચા સ્વરો તો ઝીલે છે એ શાયર, કે જેણે જગતનાં કરોડો ખલાસી-બાલકોની ફફડતી જનેતાને હૈયે કાન માંડ્યા હશે.'ધ મધર હુ હેથ એ ચાઈલડ એટ સી': એ નામના અંગ્રેજ કવયિત્રી એલિઝા કૂકના કાવ્યનો ભાવાર્થ આવો છે :

જેનું બાળ દરિયા ખેડી રહ્યું છે એવી કોઇ મા : એની આંખો જ્યારે એકાએક અજવાળી રાત્રિએ ઘેરાતી વાદળીઓના વૃંદમાં ગૌર ગૌર ચંદ્રને ગ્રહાતો જોતી હશે, ત્યારે પ્રિયતમાઓની અલકલટો સાથ ગેલતો કોઈ આશક નહિ, પણ કાળના કફનમાં જીવતો લપેટાઇ રહેલ કોઈ રાંડીરાંડ માતાનો ખોટ્યનો બેટો દેખાતો હશે એને ગગનનો ચાંદલો. ઈશ્વરની કરોડો આંખોની ઉપમા તારાઓને એ નાવિક-જનેતાની નયન-કીકીઓ એક પછી એક કોઇ કાળગર્તમાં દફનાતા પુત્રો સમા પેખતી હશે. પૃથ્વીના આરામ-લેટતા શાયરને કાને પ્રભુમહિમાનું મહાગાન સંભળાવતો અ વિરાટ ભજનિક વારિધિ કેવો લાગતો હશે એ મધરાતનાં જાગરણ ખેંચનાર વૃદ્ધ ખારવણને? વિષ-ફુંફાડતા કાળા ઝેબાણ ફણીધર જેવો. સિંધુ-સંગીતની એ તાલબદ્ધ ખંજરીમાંથી કયા બે કાનને છાતીફાટ મરસિયાના ધ્રુસકાં સંભળાતાં હશે! કોની હશે એ ફાટી રહેલી આંખ!
એ આંખ : એ કાન : ઓહ, અન્ય કોનાં હોય એ! સાગરખેપે ગયેલા બેટાની માતાનાં.

ગળતી જાતી માઝમ રાતને પહોરે એક પછી એક ચડતાં તોફાન-ચિહ્નો કો કરચલિયાળા ગાલોને રૂની પૂણીઓ-શા ફિક્કા, રક્તશૂન્ય બનાવી રહેલ હશે. રત્નાકરને માથે કાળ-તાંડવની જમાવટ કરતા ઘન અંધારને એકીટશે પેખી રહેલ એ જર્જરિત કલેવર પોતાના કૂબાની બારીએ ઊભું ઊભું થીજી ગયું હશે. છલાંગી છલાંગીને, ત્રાડ પર ત્રાડ દઇ દઇ કિનારાની ભેખડો માથે થપાટો મારતા ગડહડ જળ-લોઢને ગણતી બે નયન-મીટ સમુદ્ર પર મંડાઇ રહી હશે. કોના હશે એ ગાલ! કોનું એ કલેવર! કોની એ મીટ! હા! હા! બીજા કોની હોય એ? - જેનો જાયો દરિયે ગયેલ હશે તેવી કો જનેતાની જ તો!<

ઘેલાંતૂર સાગર-નીરને ફટકાવવા ધસનાર ઓતરાદા વાવડાની સૂસવાટીઓ એ વૃદ્ધાના લોહીને થિજાવી દેતી હશે. વીજળીની પહેલવહેલી લોહીવરણી રેખાઓને ભાળતા જ એના કલેજામાં ઠંડો હિમ થરથરાટ મચતો હશે. ખદખદ ઊકળતા સમદર-ચરુની સામે મોં ફાડતી અને જોરથી આંગળાં ભીડતી એ નિઃસ્તબ્ધ ઊભી રહે છે. ઓહ, ભાઈ! એના આ ગભરાટથી તમે ચકિત થતા ના. કારણકે - દરિયે સફર ખેડતા દૂધમલ પુત્રની એ માવડી છે.

એની કલ્પનામાં ખડું થાય છે એ ભીષણ દૃશ્યઃ ડાચાં ફાડતાં મોજાં વચ્ચે ઓરાયેલું એકાકી વહાણ : ખંડ ખંડ થઇ ભાંગેલો એનો કૂવાથંભ, અને ખડલો પર પછડાટા ખાતું એનું તળિયું : ઊંચકાઈ ઊંચકાઈને વહાણ પછડાય છે : જાણે પાતાલગર્તે ઊતરતું જાય છે : એવા કો વહાણને માથે ઊભો હશે મારો એકનો એક છૈયો - માથાબોળ મોજાંના માર ઝીલતો, ધામસ ઊલેચતો, અને આખર 'હે અલ્લા! હે અલ્લા!' એવી હતાશાની ચીસ નાખીને ડૂબતા વહાણને ચોંટી પડતો! - ઓહ, પાગલ કરી મૂકનાર એ કલ્પના છે. નથી, બીજી એવી એકેય હાય નથી જગતમાં - દરિયો ખેડતા છૈયાની માતૃ-છાતીમાંથી ઊઠે છે તેવી.

એ માવડીનું માથું ચક્કર ફરે છે. લમણાં દબાવીને એ પગ ઠેરવવા મથે છે, નમે છે, ને જ્યારે વાવડો હૂ હૂ હૂ બોલે છે, ગગન કડકડે છે, ત્યારે એ એકાકી મા હૈયે હાથ જોડીને ઘૂંટણીએ પડે છે. 'અલ્લા! અલ્લા! અલ્લા!' એ બંદગીના સૂર એના હૈયામાં જ ગુંજે છે, હોઠે નથી આવતા. એના હોઠ ન ઝીલી શકે તેવી ઊંડી ને આહભરી એ પ્રાર્થના તો ઠલવાય છે માતાના હરએક દિલવલોવણ નિઃશ્વાસમાં, અને એની ગગન મંડાયેલી આંખોના ઝરતા દૃષ્ટિપાતમાં. નથી, જગતમાં નથી કો એવી પુનિત આહુતિ - કે જે દરિયે પળેલા દીકરાની માતૃ-પ્રાર્થનાની તોલે આવે.

અહા! દિગપાલોની લગામો તોડાવીને વછૂટતા ઝંઝાવાતો મારા બંધનવિરોધી પ્રાણને બહુ બહુ ભાવે છે. ગરુડની સૂસવતી જલદ પાંખો જેવા એના વેગ-ઝંકાર પર હું ફિદા છું. પરંતુ હવે પછી તો એ પવન-હુંકાટાનો વિચાર કરતાં જ મારા અંતરમાં એક વેદના જાગશે. મારા નિર્બંધ પ્રાણની મસ્તી પોચી પડશે, મારો હર્ષોન્માદ ઊંડાણે ઊતરશે - કારણકે મને સાંભરી આવશે એ વંટોળ-ધ્વનિ થકી ભરનીંદરે ફફડી ઊઠતી એક માતા - જેનો બેટડો ખેપે પળ્યો હશે.


0 comments


Leave comment