14 - મારી પસંદગી / મોહનદાસ કરમચંદ ગાંધી


દાક્તર મહેતા તો સોમવારે મને વિક્ટોરિયા હોટેલમાં મળવા ગયા. ત્યાં તેમને અમારું નવું ઠેકાણું મળ્યું; એટલે નવે ઠેકાણે મળ્યા. મારી મુર્ખાઈને લીધે મને સ્ટીમરમાં દાદર થઈ હતી. સ્ટીમરમાં ખારા પાણીમાં નાહવાનું રહેતું. તેમાં સાબુ ન ભળે અને મેં તો સાબુ વાપરવામાં સભ્યતા માનેલી, એટલે શરીર સાફ થવાને બદલે ચીકણું થયું. એમાંથી દાદર થઈ. દાક્તરને બતાવી. તેમણે તો મને બાળનારી દવા - ઍસેટિક ઍસિડ - આપી. આ દવાએ મને રોવરાવ્યો હતો. દાક્તર મહેતાએ અમારી કોટડી વગેરે જોયાં અને ડોકું ધુણાવ્યું : આ જગ્યા નહીં ચાલે. આ દેશમાં આવીને ભણવા કરતાં અહીનો અનુભવ લેવાનું જ વધારે છે. આને સારુ કોઈ કુટુંબમાં રહેવાની જરૂર છે. પણ હમણાં તો કંઈક ઘડાવાને ખાતર - ને તમારે ત્યાં રહેવું એમ મેં ધાર્યું છે. ત્યાં તમને લઈ જઇશ.

મેં ઉપકાર સાથે સુચના કબૂલ રાખી. મિત્રને ત્યાં ગયો. તેમની બરદાસમાં કાંઈ મણા નહોતી. મને પોતાના સગા ભાઈની જેમ રાખ્યો, અંગ્રેજી રીતરિવાજો શીખવ્યા; અંગ્રેજીમાં વાત કરવાની ટેવ તેમણે જ પાડી એમ કહી શકાય.

મારા ખોરાકનો પ્રશ્ન બહુ મોટો થઈ પડ્યો. મીઠુંમસાલા વિનાનાં શાકો ભાવે નહીં. ઘરધણી બાઈ મારે સારુ શું રાંધે ? સવારે તો ઓટમીલની ઘેંસ થાય એટલે કંઈક પેટ ભરાય, પણ બપોરે અને સાંજે હંમેશાં ભૂખ્યો રહું. મિત્ર માંસાહાર કરવાનું રોજ સમજાવે. હું તો પ્રતિજ્ઞાની આડ બતાવી મૂંગો થાઉં. તેમની દલીલોને પહોંચી ન શકું. બપોરે માત્ર રોટી અને તાંદળજાની ભાઈ તથા મુરબ્બા ઉપર રહું. તેવો જ ખોરાક સાંજે. હું જોઉં કે રોટી તો બેત્રણ કટકા જ લેવાય, વધારેની માગણી કરતાં શરમ આવે. મને સારી પેઠે ખાવાની ટેવ હતી. હોજરી તેજ હતી તે બહુ માગતી. બપોરે કે સાંજે દૂધ તો હોય નહીં. મારી આવી સ્થિતિ જોઈને મિત્રને એક દિવસ ખીજ ચડી તે બોલ્યા : 'જો તું માનો જણ્યો ભાઈ હોત તો હું તને જરૂર પાછો જ મોકલી દેત. નિરક્ષર માને, અહીંની પરિસ્થિતિ જાણ્યા વિના, આપેલી પ્રતિજ્ઞાની કિંમત શી ? એ પ્રતિજ્ઞા જ ન કહેવાય. હું તને કહું છું કે આને કાયદો પ્રતિજ્ઞા નહીં ગણે. આવી પ્રતિજ્ઞાને વળગી રહેવું એ તો કેવળ વહેમ ગણાય. અને આવા વહેમને વળગી રહી તું આ મુલકમાંથી કંઈ જ દેશ નહીં લઈ જાય તુંતો કહે છે કે તેં માંસ ખાધું છે. તને ભાવ્યું પણ ખરું, જ્યાં ખાવાની કશી જરૂર નહોતી ત્યાં ખાધું. જ્યાં ખાવાની ખાસ જરૂર ત્યાં ત્યાગ ! આ કેવું આશ્ચર્ય !'

હું એક ટળી બે ન થયો.

આવી દલીલો રોજ ચાલે. છત્રીસ રોગનો હરનાર એક નન્નો જ મારી પાસે હતો. મિત્ર જેમ મને સમજાવે તેમ મારી દૃઢતા વધે. રોજ ઈશ્વરની રક્ષા યાચું તે મને મળે. ઈશ્વર કોણ તે હું ન જાણું. પણ પેલી રંભાએ આપેલી શ્રદ્ધા પોતાનું કામ કરી રહી હતી.

એક દિવસ મિત્રે મારી પાસે બેંથમનો ગ્રંથ વાંચવાનું શરૂ કર્યું. ઉપયોગિતાવાદ વિષે વાંચ્યું, હું ગભરાયો. ભાષા ઊંચી, હું માંડ સમજું. તેનું તેમણે વિવેચન કર્યું. મેં ઉત્તર આપ્યો :

'મને માફ કરો એમ ઈચ્છું છું. હું આવી ઝીણી વાતો નહીં સમજું. માંસ ખાવું જોઈએ એ હું કબૂલ કરું છું. પણ મારી પ્રતિજ્ઞાનું બંધન હું નહીં તોડી શકું. એને વિષે દલીલ હું નહીં કરી શકું. દલીલમાં તમને હું ન જ જીતું એવી મારી ખાતરી છે, પણ મને મૂરખ માનીને અથવા હઠીલો માનીને આ બાબતમાં મને છોડી દો. તમારો પ્રેમ હું સમજું છું. તમારો હેતુ સમજું છું. તમને હું મારા પરમ હિતેચ્છુ માનું છું. તમને દુ:ખ થાય છે તેથી તમે મને આગ્રહ કરો છો એ પણ હું જોઈ રહ્યો છું, પણ હું લાચાર છું. પ્રતિજ્ઞા નહીં તૂટે.'

મિત્ર જોઈ રહ્યા. તેમણે પુસ્તક બંધ કર્યું.'બસ, હવે હું દલીલ નહીં કરું,' કહી ચૂપ રહ્યા. હું રાજી થયો. આ પછી તેમણે દલીલ કરવી છોડી દીધી.

પણ મારે વિષેની તેમની ચિંતા દૂર ન થઈ. તે બીડી પીતાઅ, દારૂ પીતા. મને તેમાંની એકે વસ્તુ કરવાનું કદી ન કહ્યું. ઊલટું તે ન કરવા કહે. માંસાહાર વગર હું નબળો થઈશ અને ઈંગ્લાંડમાં છૂટથી રહી નહીં શકું એ તેમની ચિંતા હતી.

આમ મેં એક માસ નવા શિખાઉ તરીકે ઉમેદવારી કરી. મિત્રનું મકાન રિચમંડમાં હતું. એટલે લંડન જવાનું અઠવાડિયામાં એક બે વાર જ થાય. હવે મને કોઈ કુટુંબમાં મૂકવો જોઈએ એવો વિચાર દાક્તર મહેતા તથા ભાઈ દલપતરામ શુકલે કર્યો. ભાઈ શુક્લે વેસ્ટ કેન્સિગ્ટનમાં એક ઍગ્લૉઈંડિયનનું ઘર શોધ્યું ને ત્યાં મને મૂક્યો. ઘરધણી બાઈ વિધવા હતી. તેને મારા માંસત્યાગની વાત કરી. ડોસીએ મારી દેખરેખ રાખવાનું કબૂલ્યું. હું ત્યાં રહ્યો. અહીં પણ ભૂખે દિવસ જાય. મેં ઘેરથી મીઠાઈ વગેરે ખાવાનું મંગાવ્યું હતું તે હજુ આવ્યું નહોતું. બધું મોળું લાગે. ડોસી હમેશાં પૂછે; પણ તે શું કરે ? વળી હું હજુ શરમાઉં. ડોસીને બે દીકરીઓ હતી. તે આગ્રહથી થોડી રોટી વધારે આપે. પણ તે બિચારી શું જાણે કે તેની આખી રોટી હું ખાઈ જાઇં ત્યારે જ મારું પેટ ભરાય એમ હતું ?

પણ હવે મને પાંખ આવવા લાગી હતી. હજુ અભ્યાસ તો શરૂ નહોતો થયો. માંડ વર્તમાનપત્ર વાંચતો થયો હતો. એ પ્રતાપ ભાઈ શુક્લના હતા. હિંદુસ્તાનમાં મેં કદી વર્તમાનપત્ર વાંચ્યાં નહોતાં. પણ નિરંતર વાંચવાના અભ્યાસથી તે વાંચવાનો શોખ કેળવી શક્યો. 'ડૅલી ન્યૂસ', 'ડૅલી ટૅલિગ્રાફ' અને 'પેલેમેલે ગૅઝેટ' એટલાં પત્રો પર આંખ ફેરવતો. પણ તેમાં તો પ્રથમ ભાગ્યે જ કલાક જતો હશે.

મેં તો ભ્રમણ શરૂ કર્યું. મારે નિરામિષ એટલે કે અન્નાહાર આપનારું ભોજનગૃહ શોધવું હતું. ઘરધણી બાઈએ પણ કહેલું કે લંડન તળમાં એવાં ગૃહો છે ખરાં. હું રોજ દશબાર માઈલ ચાલું. કોઈ ગરીબડા ભોજનગૃહમાં જઈ પેટ ભરીને રોટી ખાઈ લૌં, પણ સંતોષ ન વળે. આમ ભટકતાં એક દિવસ હું ફૅરિંગ્ડન સ્ટ્રીટ પહોંચ્યો ને 'વેજિટેરિયન રેસ્ટોરાં' (અન્નાહારી વીશી) એવું નામ વાંચ્યું, બાળકને મનગમતી વસ્તુ મળવાથી જે આનંદ થાય તે મને થયો. હર્ષઘેલો હું અંદર દાખલ થાઉં તેના પહેલાં તો મેં દરવાજા પાસેની કાચની બારીમાં વેચવાનાં પુસ્તકો જોયાં. તેમાં મેં સૉલ્ટનું 'અન્નાહારની હિમાયત' નામનું પુસ્તક જોયું. એક શિલિંગ આપી ખરીદ્યું ને પછી જમવા બેઠો. વિલાયતમાં આવ્યા પછી પેટ ભરીને ખાવાનું પ્રથમ અહીં મળ્યું. ઈશ્વરે મારી ભૂખ ભાંગી.

સૉલ્ટનું પુસ્તક વાંચ્યું. મારા પર તેની છાપ સરસ પડી. આ પુસ્તક વાંચ્યાની તારીખથી હું મરજિયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતો થયો. માતાની પાસે કરેલી પ્રતિજ્ઞા હવે મને વિશેષ આનંદદાયી થઇ પડી; અને જેમ અત્યાર સુધીમાં બધા માંસાહારી થાય તો સારું એમ માનતો હતો, અને પ્રથમ કેવળ સત્યને જાળવવા ખાતર અને પાછળથી પ્રતિજ્ઞા જાળવવાને ખાતર જ માંસત્યાગ કરતો હતો, ને ભવિષ્યમાં કોઈ દહાડો પોતે છૂટથી ઉઘાડી રીતે માંસ ખાઈ બીજાને ખાનારની ટોળીમાં ભેળવવાની હોંશ રાખતો હતો, તેમ હવે જાતે અન્નાહારી રહી બીજાને તેવા બનાવવાનો લોભ જાગ્યો.


0 comments


Leave comment