24 - રાધા / અરવિંદ ભટ્ટ


એક દિવસ
યમુનાને કાંઠે
ઊભી એકલી રાધાને
જળમાં દેખાયો કા’ન
સ્તબ્ધ થઈને નિહાળતી
રાધાને મનમાં લાગ્યું કે
આ દૂર દૂરથી વહી આવતા
જળ સંગાથે વહી આવીને
કા’ન અહી અટક્યો છે
મારે કાજ
ત્યાં તો
એની કોઈ સખીએ
ચોર – પગે પાછળ આવીને
ચૂંટી ખણતાં
જાગી ગઈ રાધા
દર્પણ – શા ચોખ્ખાં નીર
પછી ડહોળાઈ ગયાં
રાધાનાં લોચનમાં.


0 comments


Leave comment