27 - એક પીછું મોરનું / અરવિંદ ભટ્ટ


ફૂલ રાખ્યું હથેળી મહીં ભૂલમાં
આંગળીઓ બદલતી ગઈ શૂળમાં

આ પવન ખેરવે છે પીળાં પાંદડા ?
કે છુપાયું છે કોઈ કપટ મૂળમાં

કોઈ માણસનું પગલું મળે ના કશે
ને પગરખાં છપાતા રહે ધૂળમાં

એ જ રંગોથી સપનાંઓ રંગ્યા હતા
એ જ પાડી ગયાં દાગ પટકૂળમાં

એક પીછું મોરનું શોધતાં શોધતાં
છેક પહોંચી જવાયું છે ગોકુળમાં.


0 comments


Leave comment