18 - ગાળ / અરવિંદ ભટ્ટ


પડખામાં સૂતેલું બાળક
લાત મારતા શીખે
ત્યારે ગાળ બોલજો.
નિરોધનાં ખોખાથી રમતા
છોરુને તેડીને ઉભી
બે-જીવસોતી બાઈ
બાઈને ગાળ આપજો.

એક કવિતા વાંચીને હું ડરી પડું છું
એક કવિતા બોલીને હું હસી પડું છું
એક કવિતા સાંભળતા હું જ રડી પડું છું
હું ગાળ ખાઈને ગળી પડું છું
ગાળ એટલે પરમ કવિતા
ગાળ એટલે શબ્દબ્રહ્મ છે
બાકીનું બીજું તે ભ્રમ છે

આગળ - પાછળ જોયા વિના ગાળ બોલજો
ઉપર – નીચે જોયા વિના ગાળ બોલજો
આંબાની ડાળે બેસીને ગાળ બોલજો
સરવરની પાળે બેસીને ગાળ બોલજો

ગામમાં ગાળાયણ બેસાડો
ભૂલી જાવ મા – બાપ
છબીમાં ઘેર મઢાવો જગતની ઉત્તમ ગાળો

રોજ સવારે એક ફાકડી
ગાળનું વસ્ત્રગાળ ચૂર્ણ ફાકો.

મનમાં દીધેલી ગાળ
જોરથી મંદિરમાં જઈ બોલો

છૂટક છૂટક ગાળ તણા આ પરમ પડીકાં
સાગમટે સાચવી રાખ્યાં છે તે
એકસામટાં ખોલો
હે સાગર-પેટા
ગાળ એટલે શબ્દબ્રહ્મ છે

ગનાની ! ગાળ બોલતાં કાં અટકો છો ?
સામેસામા ગાળા – ગાળી કરી રહ્યા તે
બેઉ જણાને છુટ્ટા પાડવા
સણસણતી બે ચાર કોપરાફાડ
ગનાની, ગાળ આપજો

જીવનમાં ખાધેલી ગાળો યાદ કરો
દીકરાએ માને દીધેલી બાપ સમાણી ગાળ
પાંજે વતન જી ગાળ્યું

એ કોણ છે જે એવો
જેણે નથી ખાધી એક પણ ગાળ ?

હું કાંઈ ગાંડાની ગાળ નથી
મને વા’લામાં વા’લી ગાળના
સોગંદ ખાઈને કહું છું
અ ઘર ગાળ છે
બા’ર ગાળ છે
આપણું ઊછરવું એ એક ગાળ છે
બેસીને ઊભાં થવું એક ગાળ છે
ચાલીને ક્યાંયે જવું એક ગાળ છે
ગાળ બોલીને જ ગામતરે જજો
ગાળ એટલે શબ્દબ્રહ્મ છે.


0 comments


Leave comment