77 - મારી તમન્ના / શૂન્ય પાલનપુરી


પડખે કાંટા વાગે તોય સ્મિત વદન પર રાખે,
હાર બને કે રગદોળાયે, કાંઈ ન મન પર રાખે,
રંગ રૂપ ને પરિમલ દ્વારા ઉપવનને શણગારે,
‘પુષ્પ’ સરીખું યૌવન મળજો, એ જ તમન્ના મારે.

આગ ભરેલી હોય હૃદયમાં, તો યે સંયમ રાખે,
પર-સેવા પર-સુખને કાજે, જીવન બાળી નાખે,
‘ઉફ’ સરખું ના મુખથી નીકળે-ધીરજ એવી ધારે,
‘કાષ્ટ’ સમાન પસ્યા મળજો, એ જ તમન્ના મારે.

રાજા-રંકનો ભેદ ન રાખે, એક નજરથી ભાળે,
એક સરીખો જ્યોતિ આપી ઘોર અંધારાં ટાળે,
કોઈ પળે પણ ધર્મ ન ચૂકે, પ્રાણ સુધ્ધાં ઓવારે,
‘દીપક’ જેવી દ્રષ્ટિ મળજો, એ જ તમન્ના મારે.

હળ લોખંડી હૈયું ચીરે, ખોદે કોશકુદાળી,
વેઠે મૂગે મોંએ એનો દોષ ન લેશ નિહાળી,
બદલામાં જળ-ધાન દઈને મરતાં જીવ ઉગારે,
‘ધરતી’ જેવો સંયમ મળજો, એ જ તમન્ના મારે.

તડકો માથે વેઠી વેઠી શીળી છાયા આપે,
તોયે કૃતધ્ની લોકો એને, સ્વાર્થ ખાતર કાપે,
પ્રાણ લગી ફળ ફૂલ દઈને ફરજો પાર ઉતારે,
‘તરુવર’ જેવી સેવા મળજો, એ જ તમન્ના મારે.

જેનો જેનો થાય સમાગમ, એનો ધુવે મેલ,
જીવને પોષણ દેવા માટે એ જ કરે છે પે’લ,
નિર્મળ રહેવા કાજ બધોયે કદાવ કચરો ઠારે,
‘પાણી’ જેવું અંતર મળજો, એ જ તમન્ના મારે.

લાખો પંથ ભૂલેલ જનોને સાચો રાહ બતાવે,
મેરુ પેઠે અણનમ રહીને એ કર્તવ્ય બજાવે,
શૂન્ય બરાબર ટક્કર ઝીલે, કાળની હારે હારે,
ટેક મળે તો ‘પથશિલા’ની એ જ તમન્ના મારે.


0 comments


Leave comment