26 - દુનિયાની ચાલ / શૂન્ય પાલનપુરી


રાખવા મારી તમાચા ગાલ લાલ !
કાળનો એ પણ તકાદો છે કમાલ !

લેશ પણ બદલી નથી જીવનની ચાલ,
આજ પણ છે કાલ જેવી આજકાલ.

એક પણ પરદો નથી પરદામહીં,
કલ્પનાએ પણ કરી કેવી કમાલ !

આજીવન બળતા રહે છે દીપકો,
ગર્વમાં મરનારના પૂછો ન હાલ.

આંખ સાથે જીભ પણ થઈ જાય બંધ,
છું નિરુત્તર જોઈને દુનિયાની ચાલ.

બંધ પારો કાચના ગોળામહીં,
માનવી-જીવનની છે એક જ મિસાલ.

રાતદિવસ રક્ત સીંચે છે હૃદય,
છે તમન્ના પણ સતત બળતી મશાલ.

હોય છે ના અંત જિજ્ઞાસા તણો,
આપજો ઉત્તર વિચારીને સવાલ.

હોળીઓ રમવાની એ પણ રીતે છે,
આપ શોણિત મહેલમાં જોતા ગુલાલ ?

જિંદગીને શ્વાસની આ દોડધામ !
શું હવાઈ મહેલમાં જામી ધમાલ ?

છે નશામાં પણ ખુદાઈ અંશ કૈં !
હોત નહિતર બંદગી એમાં હલાલ.

સાંભળો ધબકાર દિલના ધ્યાનથી,
કાળ સાથે જિંદગી પૂરે છે તાલ.

આટલો કૈં આગ્રહ ને પાનારનો !
જાણભેદુની જ એ લાગે છે ચાલ.

માંગવાને એ જ માગું છું પ્રભુ !
જીભ ના પામે કદી મનનો સવાલ.

વિરહમાં એ ભેદ સમજાશે તને;
એક પલ પણ થઈ શકે છે એક સાલ.

કોણ દુશ્મન છે ખરો, માલમ થશે,
દોસ્તોમાં ચાલવા દો બોલચાલ.

છે ઈશારો કાંઈ જીવનનો જરૂર !
મોટ નહિતર શીશ ઊંચકે ! શું મજાલ ?

દોસ્ત પર શંકા ને દુશ્મનથી કપટ !
એ જ નીતિ શૂન્ય કરશે પાયમાલ.


0 comments


Leave comment