88 - ફરિયાદ / શૂન્ય પાલનપુરી


મારાં ગીતોમાં અસર હો તોય શું ?
મારી જો તમને ખબર હો તોય શું ?

ક્રાંતિઓ દીઠી છે મેં જીવન મહીં,
વિશ્વ આખું નાશ પર હો તોય શું ?

મારા ઘરમાં તો બધે અંધકાર છે,
લાખ સૂરજ વ્યોમ પર હો તોય શું ?

વિરહની એક રાત છે મુજ જિંદગી !
રાત એ દિવસ વગર હો તોય શું ?

એમ પણ વીતી જશે સૌ કોઈની,
કોઈથી કો’ બેખબર હો તોય શું ?

મુજ દુઃખી સંસાર ને છેડો નહિ,
ભગ્ન દિલના તારને છેડો નહિ.

મારું અંતર છે નિરાલું વિશ્વથી,
મારો અંતરસાદ ના સમજો તમે !

રંગરાગોમાં સદા આબાદ છો,
કેમ છું બરબાદ ના સમજો તમે !

જ્યાં લગી પૂરો ન સમજો પ્રેમને,
પ્રેમ કેરો નાદ ના સમજો તમે !

લાખ સમજો અન્ય વાતો વિશ્વની,
મારો આ વિદાદ ના સમજો તમે !

શું કરું ફરિયાદ અવગણનાતણી ?
મારી એ ફરિયાદ ના સમજો તમે !

પ્રેમ તો એક ત્યાગ કેરું નામ છે,
એ સમજવું ક્યાં તમારું કામ છે ?

કાલની વાતો અપાવો યાદ કા ?
એ સમયને આ સમયમાં ફેર છે.

હાલ શું પૂછો છો ? બસ રહેવા જ દો !
વાતની જેમ જ વિનયમાં ફેર છે.

એ જ હું છું એ જ દુનિયા, એ જ મન
માત્ર કોઈના હૃદયમાં ફેર છે.

ભિન્ન છે હેતુ સદંતર આપણા,
જિંદગી પંથે ઉભયમાં ફેર છે.

છે તમારું ધ્યાન બીજે આજકાલ,
વાત એક જ છે, વિષયમાં ફેર છે.

બસ હવે કૃપા કરી ભૂલો મને,
યાદ ના આવો ફરી, ભૂલો મને.


0 comments


Leave comment