41 - મારવાને જ આવે છે / શૂન્ય પાલનપુરી


જીવન હો કે મરણ અંતે ગુજરવાને જ આવે છે,
સદા જે સ્વપ્ન આવે છે એ સરવાને જ આવે છે.

જવાનીથી અદા પર ગર્વ કહેનારા ! વિચારી લે,
નદીમાં પૂર આવે તો ઊતરવાને જ આવે છે.

વિલય મુજ દેહનો થાશે કે જડ નીકળી જશે એની,
મરણ આવે ? ભલે આવે, એ મરવાને જ આવે છે.

નહિ ડૂબે, નહિ ડૂબે, કો અંતે ભવસમંદરમાં,
અહીં જે જીવ આવે છે, એ તરવાને જ આવે છે.

ઠરે છે કેમ બળતો દીપ દોષિત પ્રેમ - દ્રષ્ટિમાં ?
મરણ – ઘેલા પતંગા પ્રાણ ધરવાને જ આવે છે.

જીવન સળગે છે ફૂલોનું, પડી છે શૂન્ય એ કોને ?
ચમનમાં આવનારા સૌ વિહરવાને જ આવે છે.


0 comments


Leave comment