76 - મારો પરિચય / શૂન્ય પાલનપુરી


જેના દિલમાં છુપાયેલા નાસૂર છે,
જેના માટે વલણ કાળનું ક્રૂર છે,
જેનું જીવન દુઃખોથી જ ભરપૂર છે,
તોય જે દર્દના કેફમાં ચૂર છે,
હું જ છું એ કવિ, ઓળખી લો મને.

જેના કંઠે કરુણાનાં ગીતો મળે,
જેનું મસ્તક પ્રકૃતિના ખોળે ઢળે,
જેનું અંતર જગતના દુઃખે કળકળે,
જે સદા ચેનની ઊંઘથી દૂર છે,
હું જ છું એ કવિ, ઓળખી લો મને.

સર્વ સંસારમાં જેનું વ્યાપક છે મન,
જેની આંખો કરે પ્રેમકેરું જતન,
જેની રગરગમાં છે લાગણીનું વહન,
બુદ્ધિના જે બખેડાઓથી દૂર છે,
હું જ છું એ કવિ, ઓળખી લો મને.

જેના ઉલ્લાસથી હર્ષ-ઝરણાં વહે,
જેના રોષે જ્વાળા ભભૂકી ઊઠે,
જેનો ઉન્માદ સંહાર-લીલા રચે,
જેની માટીમાં ક્રાંતિના અંકુર છે,
હું જ છું એ કવિ, ઓળખી લો મને.

જેનાં વચનોમાં સંજીવનીસાર છે,
સ્પર્શમાં જેના રોગીનો ઉપચાર છે,
જેની દ્રષ્ટિમાં વિદ્યુત-ચમકાર છે,
જેની વાણીમાં ચેતનતણાં પૂર છે,
હું જ છું એ કવિ, ઓળખી લો મને.

પ્રેમ ને પ્રેમ છે જેની વાચા મહીં,
રૂપ ને રૂપ છે જેની દુનિયા મહીં,
સ્વર્ગ ને સ્વર્ગ છે જેની આશા મહીં,
જેની પ્રજ્ઞા સ્વયં નૂરનું નૂર છે,
હું જ છું એ કવિ, ઓળખી લો મને.

જેનાં પગલાં થકી માર્ગદર્શન મળે,
જેની દ્રષ્ટિ વડે ભિન્નતાઓ ટળે,
જેનાં દર્શનથી મુક્તિની આશા ફળે,
જેનાં ગીતોમાં ઉત્કર્ષનો સૂર છે,
હું જ છું એ કવિ, ઓળખી લો મને.

ગર્વ જેનો કરે શૂન્ય ઈન્સાનિયત,
જે દિવસ રાત છે આત્મ-મંથનમાં રત,
જેની વાતોમાં છે સર્વ ધર્મોનું સત,
જેને સુણવા જગત આખું આતુર છે,
હું જ છું એ કવિ, ઓળખી લો મને.


0 comments


Leave comment