31 - મજબૂર છે / શૂન્ય પાલનપુરી


હો ફક્ત બુદ્ધિ તો દુનિયા ક્રૂર છે, નિષ્ઠુર છે;
લાગણી માટે બધુંયે પ્રેમથી ભરપૂર છે.

માનવી તો એ કે જેના હોય સંજોગો ગુલામ,
હાય એ પ્રાણી કે જે લાચાર છે, મજબૂર છે !

ક્રોધીઓના ક્રોધથી પણ કામ લઉં છું પ્રેમનું,
એટલું સમજી ગયો છું આગમાં પણ નૂર છે.

ક્યાં લગી રહેશે સલામત ભેખડો ટકરાઈને ?
છે ગમે તેવું ક્ષણિક, પણ પૂર છેવટ પૂર છે !

રૂપના હર દ્રશ્ય આગળ આડ છે દ્રષ્ટિતણી,
નૂર તો છે નૂર પણ પરદો યે એનો નૂર છે.

શું કહ્યું તેં ? મોતને તરછોડવું સહેલું નથી ?
જ્ઞાન હો તો જિંદગીની એટલી મગદૂર છે !

કોઈનો સંતાપ કાયમ શૂન્ય રહેવાનો નથી,
કાળના હાથે બધાયે જખ્મ અંગૂર છે.


0 comments


Leave comment