83 - સ્મરણ / શૂન્ય પાલનપુરી


એક મીઠી આળસ મરડીને કળીઓનાં અંગો ખીલે છે,
મદમસ્ત ઉષાના ગાલો પર યૌવનના રંગો ખીલે છે,
એક સૂર્યકિરણના ચુંબનથી ધરતીના ઉમંગો ખીલે છે,

એ જોઈ વ્યથાઓ જાગે છે
તુજ યાદ સતાવા લાગે છે.

કો દૂર દિગંતે જાવાને તૈયાર પ્રભાકર જોઈને,
બેબાકળી સંધ્યા ઝૂરે છે દુઃખ દર્દમાં ધીરજ ખોઈને,
શોણિતની સેરો ફૂટે છે નયનોમાં રોઈ રોઈને,

એ જોઈ વ્યથાઓ જાગે છે
તુજ યાદ સતાવા લાગે છે.

આકાશ નમીને દિગંતે ધરતીનો પાલવ ચૂમે છે,
મદગળતા માતંગો પેઠે ઘનઘોર ઘટાઓ ઝૂમે છે,
ઉન્માદથી ગાંડાંતૂર બની ચોમેર વિહંગો ઘૂમે છે,

એ જોઈ વ્યથાઓ જાગે છે
તુજ યાદ સતાવા લાગે છે.

અંતરના અમીરસ ઘોળીને, કોયલડી ‘કૂ કૂ’ બોલે છે,
ઉન્મત્ત વસંતો ઝૂમે છે, વૃક્ષોનાં હૈયા ડોલે છે,
થનગનતા યૌવનના ભેદો કો મસ્ત બપૈયા ખોલે છે,

એ જોઈ વ્યથાઓ જાગે છે
તુજ યાદ સતાવા લાગે છે.

વર્ષાની બહારો ઉપવનમાં, ચોમેર સુધા વરસાવે છે,
ફૂલોથી લચેલી શાખાઓ ઝૂમે છે, શીશ હલાવે છે,
જાણે કો’ અભિસારની દેવી રૂમઝૂમ રૂમઝૂમ આવે છે,
એ જોઈ વ્યથાઓ જાગે છે
તુજ યાદ સતાવા લાગે છે.

ઓઢીને કાળો સાળુ જયારે રજની-રાણી આવે છે,
વ્યાકુળ બનેલી સૃષ્ટિ એના શોકમાં સાથ પુરાવે છે,
આકાશનાં તારા ભગ્ન દિલે આંખોમાં પાણી લાવે છે,

એ જોઈ વ્યથાઓ જાગે છે
તુજ યાદ સતાવા લાગે છે.

મુજ આંગણ-વૃક્ષે કાગ કદાપિ ‘કા કા’ કરવા લાગે છે,
કોઈ અતિથિના દર્શનની તાલાવેલી જાગે છે,
કોઈ ‘અતિથિ’ શા માટે ? ખુદ તુજને અંતર માગે છે.

એ જોઈ વ્યથાઓ જાગે છે
તુજ યાદ સતાવા લાગે છે.

સૃષ્ટિના કણેકણમાં ચોગમ જીવનની લહેરો દોડે છે,
પલવાર પળેપળનું મૃત્યુ જાણે નિજ બંધન તોડે છે,
કો શૂન્ય વિયોગી એવામાં, જો સૂર ગઝલના છોડે છે,

એ જોઈ વ્યથાઓ જાગે છે
તુજ યાદ સતાવા લાગે છે.


0 comments


Leave comment