9 - વતન માટે / શૂન્ય પાલનપુરી


બિચારા માનવીને કાં વગોવો છો પતન માટે ?
ચલિત ખુદ થાય છે ભગવાન માયાવી જીવન માટે !

વિમુખ થાનાર તારા દ્વારથી ક્યાં દૂર જાવાનો ?
નમેલું શીશ ઊંચું થાય છે પાછું નમન માટે.

રહે આઝાદ શ્વાસે શ્વાસે જ્યાં દુનિયાની પીડાથી,
મળે એવી કોઈ ભૂમિ તો રાખી લઉં વતન માટે.

ભરીને ઠેકડા માણી રહ્યો છું મોજ મુક્તિની,
કપાયેલી જ પાંખો કામ દે છે ઉડ્ડયન માટે.

મુસીબત છે મને ખુદ શ્વાસ ખટકે છે મુસીબતમાં,
જીવન વીંઝી રહ્યું છે કોરડા જાણે દમન માટે !

શમાનો અંત જાણું છું, અગર માનો કહ્યું મારું,
ન લાવો જીભ ઉપર વાત અંતરની કથન માટે.

ફનાની ભાવના સાથે પતન પણ એક સિદ્ધિ છે,
પડે ઝાકળ તો ગુલ પાલવ પ્રસારે છે જતન માટે.

જીવન મહોતાજ, ને મહોતાજ પણ કેવું ? અરે તોબા !
મરીને પણ સહારો જોઈએ એને કફન માટે.

મળે છે કાષ્ટ લીધા વિણ જગતમાં ઉન્નતી કોને ?
વિહંગો પાંખ વીંઝે છે પ્રથમ નિજ ઉડ્ડયન માટે.

શમાને જુલ્મથી નવરાશ ક્યાં કે એટલું સમજે ?
કે પાંખો મૃત પતંગાની જ મળવાની કફન માટે !

નિરાશાવાદની પૂર્ણાહુતિ પણ ઘોર છે કેવી ?
ચિતા ખડકાય છે મૃત્યુ પછી શબના દહન માટે.

જીવન એક માર્ગ છે ને માર્ગમાં તો હોય ખાડા પણ,
મુસાફર છું, પડું તો દોષ ના દેશો પતન માટે.

મને તો શૂન્ય એ પુરુષાર્થની ખામી જ લાગે છે,
દિશા પોતે જ સાનુકૂળ ન થઈ જાએ પવન માટે ?


0 comments


Leave comment