79 - પ્રતિજ્ઞા / શૂન્ય પાલનપુરી


ભાગ્યનાં દ્વાર ઊઘડવાની ઘડીએ આજે,
દેશમાં દ્રેષનો અંધકાર ફરી વળ્યો છે;
ચોતરફ વાયરા ફૂંકાય છે તોફાનતણા,
નાશનો કારમો પડકાર ફરી વળ્યો છે.

ક્યાં હવે સ્વર્ગ શી રળિયામણી ભારતભૂમિ ?
ક્યાં હવે હર્ષ ને ચેતનનાં એ વહેતાં ઝરણાં ?
હાય અંધકારનું કાળું વાદળ !
હાય દુદૈવની વસમી ઘડીઓ !

શક્તિઓ મંદ ને લાચાર બની બેઠી છે.
જિંદગી મોતનો આધાર બની બેઠી છે.

પણ અરે ! આમ હું યુવાન અને,
સ્થિર બેસીને નિહાળું મૃત્યુ !!
હાથ બાંધીને અને દીન વદન રાખીને
કોળિયો ઝૂંટવી લેનારને હું જોઈ રહું !
કાળ ના થંભી પડે !
મોત ના કંપી પડે !
કાં નિરાશાના પહાડો નથી તૂટી પડતા ?
વાદળું કેમ હજુ ગાઢ ને ઘનઘોર નથી ?
મારો નિશ્ચય બની આંધી ને છવાઈ જાશે,
વેરી નાખીશ પલકમાં વાદળ.
મારા યૌવનના આ શોણિતની પ્રતિજ્ઞા લઈને,
આજ બાંધુ છું બલિદાનને માટે હું કમર.
હું યુવાન
સૂર્યનો પંથ ફરી જાયે છતાં હું ન ફરું,
મેરુ એક વાર ચળી જાએ છતાં હું ન ચળું.


મારી આઝાદ તમન્ના !
મારી આઝાદ ધગશ !
મારું આઝાદ ખમીર !
આજ મૃત્યુનો સહારો લઈને,
અર્પવા જઉં છું જીવનને ફરી નવજીવન.

આજ તલવાર ઉઠાવું તો ઉઠાવી જાણું,
લોહીનો ભોગ ધરાવું તો ધરાવી જાણું;

છે બલિદાનની વેદીએ પ્રતિજ્ઞા મારી
‘મુક્તિનો મંત્ર દશે દિશ ગજાવી રહીશ,
માનવી માત્રને આઝાદ બનાવી રહીશ !’


0 comments


Leave comment