108 - રૂપક્રીડા / શૂન્ય પાલનપુરી


કદી અશ્રુ બનીને તરવરે છે મારી આંખોમાં,
કદી એ મન હરી લે છે મનોહર પ્રેમવાણીથી,
કદી વ્યાકુળ કરી દે છે નજરની ખેંચતાણીથી,
કદી એ કીકીઓ રૂપે ફરે છે મારી આંખોમાં.

ખસે છે દૂર આપીને ઝલક ક્યારેક દર્શનની,
કદી વિશ્વાસ આવે છે તો ખૂબ જ પાસ આવે છે,
કદી શંકા ધરાવે છે તો વર્ષો મુખ છુપાવે છે,
અલગ રહીને કરી લે છે કસોટી મારા જીવનની.

કદી ચિંતા હરી લે છે બધીયે એક પલભરમાં,
કદી મારી જ વાતોથી એ મારું મન રિઝવે છે,
કદી નિજ સર્વવ્યાપી રૂપની વાતો સુણાવે છે,
કદી પોતે ડુબાડે છે મને ઈર્ષાના સાગરમાં.

મને મનફાવતી રીતે રમાડે છે, રમી લઉં છું,
મેં પોતે પ્રેમ કીધો છે એ માટે સમસમી લઉં છું.


0 comments


Leave comment