86 - યૌવન એળે જાય / શૂન્ય પાલનપુરી


(એક વિરહ-પીડિતનું મંથન-ગીત)

યૌવન એળે જાય,
પ્રીતમ !
યૌવન એળે જાય.... યૌવન.

ફૂલો મહેકે ઉપવન-દ્વારે,
ભમરા મુજને મે’ણાં મારે;
અંગે અંગે આગ
લગાવી
ક્રૂર વસંતો હૈયાં ઠરે,

દર્દ ન સ્હેવાય,
પ્રીતમ !
યૌવન એળે જાય.... યૌવન.

મસ્ત બપૈયો, ઘેલી કોયલ,
ચાંદ-ચકોરી બેઉ ઘાયલ,
રસમસ્તીમાં ચૂર છે કુદરત,
હું જ કે ઝૂરું એકલદોકલ,

જીવ બહુ હિજરાય,
પ્રીતમ !
યૌવન એળે જાય.... યૌવન.

ઝરમર ઝરમર વર્ષા આવે,
સાથે નયનો તાલ પુરાવે,
સખીઓ એનો ભેદ ન જાણે,
પૂછી પૂછી મુજને જલાવે,


મુખથી ના કહેવાય,
પ્રીતમ !
યૌવન એળે જાય.... યૌવન.

રાત ને દિવસ અશ્રુધારા,
રાત ને દિવસ ગણવા તારા;
શ્વાસે શ્વાસે યાદના ડંખો,
શ્વાસે શ્વાસે સાપના ભારા,

રોમે રોમે લ્હાય,
પ્રીતમ
યૌવન એળે જાય.... યૌવન.

આવ ! હવે તો આવ બેદર્દી !
લાગ્યા કારી ઘાવ બેદર્દી !
સૂકી સૂકી જીવન વાડી,
પ્રેમ-અમી સીંચાવ બેદર્દી !

ધીરજ કોરી ખાય,
પ્રીતમ !
યૌવન એળે જાય.... યૌવન.


0 comments


Leave comment